________________
૨૬
આત્મબોધ રાજા માંગણી કરવાનું કહે છે તો આખું રાજય જ કેમ ન માંગું? એવા ચકડોળ ઉપર તે ચડી ગયો. આશારૂપી આકાશનો અંત આવ્યો નહિં, તેને કોઈપણ રીતે પૂર્ણવિરામ દેખાયો જ નહિં, એટલે તુરત જ એના મનમાં વિદ્યુતની જેમ એક લિસોટો ઝબકી ગયો ! અરે હું તો રાજા પાસે બે માસા દ્રવ્યની માંગણી કરવા આવ્યો હતો. પણ રાજાએ જરા છૂટ આપી ત્યાં તો ક્રોડ સુધી પહોચી ગયો અને હજુયે અલ્પવિરામ ! ફિ... આવી આશાથી! એના કરતાં તો સંયમ સારું, કોઈ જાતની ચિંતા તો નહિં. નક્કી કર્યું કે કાંઈ ન જોઈએ. મનમાં ચમકારો થયો. અરે ! રાજ્ય માંગ્યા પછી પણ ! ક્યાં છેડો આવે છે ? સકલ સુખનું સાધન પ્રાપ્ત કર્યા પછી બીજું કાંઈપણ મેળવવાની વૃત્તિ ન રહે તે ચારિત્ર લેવાનું મનમાં નક્કી કરી પોતાનો મક્કમ નિર્ણય રાજા સમક્ષ જાહેર કર્યો. રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો ! આખરે રાગની સામે ત્યાગનો જ જય થયો, અને ખરેખર ત્યાગમાં જ જાય છે એવું અનાદિકાળથી બનતું આવ્યું છે. રાગ અને ત્યાગ એ બન્ને સામસામા છે. રાગના પક્ષમાંથી છૂટવું હોય તો ત્યાગને શરણે જવું જ જોઈએ. બાકી રાગ હશે ત્યાં સુધી લોભ કેડો નહિ છોડે. ત્યાગનો અર્થ દાન થાય છે એટલે ત્યાગ કરતા જાવ પછી જોઈ લો મજા ! ત્યાગ લોભની કેડ ભાંગી નાંખશે ને તમે તેનાથી છુટ્ટા. બસ ત્યાગ કરવા માંડો. ૭.