________________
૧૦૬
આત્મબોધ
માતાપિતાને પૂછીને આવું, ત્યાં સુધી મારી ઉપર કૃપા કરી આપ અહીં સ્થિરતા કરો.
શિવકુમારે ઘેર જઈને માતાપિતાને કહ્યું કે “આજે મેં સાગરદત્તમુનિની દેશના સાંભળી. તેમની કૃપાથી સંસારની અસારતા સમજાઈ. હું સંસારથી વિરક્ત થયો છું. સંસારમાં ચારેકોર-ચોપાસ આગ લાગી છે. સઘળોયે સંસાર વિષય કષાયની જવાળામાં ભડકે બળે છે. સંયમ જ શાંતિ ને સુખનો ઉપાય છે. મારું મન સંસારથી ઊતરી ગયું છે. તેથી આપ પ્રવ્રજ્યા લેવાની અનુમતિ આપો.”
માતાપિતાએ કહ્યું કે- “જો અમારી ઇચ્છાપૂર્વક તું કાર્ય કરવા ચાહતો હો તો અમે તને રજા આપતા નથી. તું વૈરાગ્યથી ભલે અમને પરાયા માને પણ અમે તો તને અમારો જ માનીએ છીએ.” શિવકુમારના મનમાં મંથન જાગ્યું. એકબાજુ માતપિતાની રુચિ અને બીજી બાજુ પોતાની તીવ્ર વૈરાગ્ય ભાવના. એ બંનેનો મેળ કોઈ રીતે ખાય એવું ન લાગ્યું. એટલે ભાવથી સાગરદત્ત મુનિના શિષ્ય તરીકે સંકલ્પ કરીને, કોઈપણ પ્રકારની સાવઘ પ્રવૃત્તિ ન કરવાનો નિશ્ચય કર્યો ને પોતાને આવાસે રહ્યા. ભોજન કરવાનો સમય થયો પણ શિવકુમારે ભોજન ન કર્યું. માતપિતાએ ખૂબ ખૂબ કાલાવાલા કર્યા પણ જરી પણ રીસ વગર શિવકુમારે કહ્યું કે- “મને ખાનપાનમાં રુચિ નથી.” સાંભળીને માતપિતા ઉદ્ગવિગ્ન ને ચિંતિત થઈ ગયાં. બસ અહીંયાં જ વિરતિ ને રતિનું યુદ્ધ જામે છે. એક બાજુ અપાર મમતા ને અગાધ વાત્સલ્ય વરસાવતાં માતપિતા, પોતને માટે પ્રાણ પાથરવા તૈયાર, રૂપમાં રતિને પણ શરમાવે એવી સ્ત્રીઓ, સંસારના કેટલાય આત્મા જે સુખવૈભવ મેળવવા માટે ઘોર તપ આચરે અને ભલભલાને પણ જે સુખસમૃદ્ધિ જોઈને