________________
૧૪૩
અપરિગ્રહવ્રત
અતિશય પુણ્યનું ફળ ખૂબ જલ્દીથી મળે છે. સવારે વિદ્યાપતિએ પોતાની પત્નીને વાત જણાવી, અને કહ્યું કે તેમ કરવામાં આપણે લીધેલા પરિગ્રહ પરિમાણ વ્રતમાં ખામી આવે તેમ હોય તો આપણે અહીંથી અન્યત્ર ચાલ્યાં જઈએ. શૃંગારમંજરી તેમાં સંમત થઈ. બીજે દિવસે સવારે તે દંપતી ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યું. સામે ગામ પહોંચ્યાં ત્યાં તો પંચદિવ્ય પ્રગટ્યા ને હાથણીએ વિદ્યાપતિશેઠ પર કળશ કર્યો. મંત્રી વગેરે આવ્યા ને પ્રાર્થના કરીને વિદ્યાપતિને રાજમહેલમાં લઈ ગયા. લીધેલા વ્રતમાં નિશ્ચળ એવા વિદ્યાપતિએ વ્રતભંગના ભયથી રાજ્યાભિષેક કરવાની ના પાડી, તેવામાં આકાશવાણી થઈ.
“અરે ! ભાગ્યશાળી ! હજુ તારે ભોગાવલી કર્મ બાકી છે. તેથી લક્ષ્મીનું ફળ ગ્રહણ કર.” આ સાંભળ્યું એટલે તેણે રાજ્યસિંહાસન ઉપર પરમાત્મા શ્રી વીતરાગદેવની પ્રતિમા સ્થાપન કરી. મંત્રીઓને રાજ્યકારભાર સોપી દીધો અને ન્યાયપૂર્વક જે દ્રવ્ય આવે તેને જિનનામથી અંકિત કરવા માંડ્યું અને સાતક્ષેત્રોમાં ખૂબ ઔદાર્ય ભાવે સદ્વ્યય કર્યો. એક વખત નગરમાં જ્ઞાની ગુરુ મહારાજ પધાર્યા. વિદ્યાપતિ ત્યાં વંદન કરવા ગયા. ગુરુ મહારાજની વૈરાગ્ય રસ ભરપૂર દેશના સાંભળીને તીવ્ર વૈરાગ્ય આવ્યો ને વિદ્યાપતિ શેઠ ને શૃંગારમંજરીએ પુત્રને રાજ્યગાદી પર બેસાડીને પ્રવ્રજ્યા સ્વીકારી સુંદર આરાધના કરીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી પાંચ ભવ કરી, મોક્ષના અનંત અવ્યાબાધ અખંડ સુખને ભોગવનારા થશે. આ પ્રમાણે પરિગ્રહ પરિમાણ વ્રતને સ્વીકારી વિદ્યાપતિ જેમ ભારથી હળવા બની ભવનો પાર કરી ગયા તેવી રીતે પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. ૨૫.