________________
૧૧૮
આત્મબોધ
વિશદાર્થ:
સત્ય વચન એ ઉચ્ચ અને આદર્શ જીવનનું પહેલું પગથિયું છે. જેના જીવનમાં સત્યની પ્રતિષ્ઠા થાય છે તેને અવશ્ય વચનસિદ્ધિ સાંપડે છે. તમે સત્યને પૂરેપૂરા વળગી રહેશો, ગમે તેવા આકરા સંયોગોમાં કે કપરી કસોટીમાં પણ અસત્યનો આશરો નહિ લો તો તમારા જીવનમાં સત્યની ઝલક કોઈ ઓર રીતે ચમકશે. કદાચ તમને તત્કાલ પૂરતી અસત્યની જીત ને સત્યની હાર લાગશે પણ પરિણામે “સત્યમેવ જયતે' ની પ્રતીતિ થયા વગર નહિ રહે. અસત્ય તમને કદાચ થોડો ઘણો લાભ આપશે. પણ પરિણામે તે દુઃખરૂપ બનશે તે નિશ્ચિત છે. એકવાર સત્યને છોડી થોડા ક્ષણિક લોભથી પરવશ થઈને અસત્યનો આશ્રય કરનાર સદાને માટે સત્યથી દૂર હડસેલાઈ જાય છે.
એક અસત્યને સત્ય ઠરાવવા માટે બીજાં સો અસત્યો કરવાં પડશે. માટે બિલકુલ નીડર બનીને સત્ય જ બોલવું અને તેનો જ આગ્રહ રાખવો. સત્ય એટલે એકવાર બોલ્યા પછી ગમે તેટલી વાર બોલવાનો પ્રસંગ આવે તોય એકસરખું જ સ્વાભાવિક રીતે યાદ કર્યા વગર બોલાય તે સત્ય. અસત્ય જો બોલ્યા હશો ને થોડા સમય બાદ તે વાત પૂછે ત્યારે યાદ કરીને બોલવું પડશે. કારણ કે માયા થઈ તેની પાસે બે વાત થઈ, એક પોતાની વાસ્તવિક વાત અને બીજી બનાવટ કરીને કરી છે તે. એમ બે વાતમાં બનાવટવાળી વાતને યાદ કરવી પડે છે. લોકવ્યવહારમાં પણ તેની આબરૂ-કિંમત ખૂબ ઓછી થઈ જાય છે. બીજા વિશ્વાસ પણ મૂકતા નથી. પછી કોઈકવાર તે સત્ય બોલ્યો હોય તો પણ તેનું સત્ય માનવા કોઈ તૈયાર નથી થતું. એ રીતે જીવન જીવવામાં ઘણાં અપમાન ને અવહેલના સહન કરવો પડે