________________
૧૨૮
આત્મબોધ પ્રકટ કરી દિવ્ય રૂપે તે બોલ્યો કે, “હું સૂર્ય નામનો વિદ્યાધર છું. તમે ગુરુ મહારાજ પાસે ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત લીધું ત્યારે હું ત્યાં હતો ને મને આશ્ચર્ય થયું તેથી મેં તમારી પરીક્ષા કરી પણ તમે તો તમારા વ્રતમાં દઢ રહ્યો છો. તેથી હું પ્રસન્ન થયો છું.” એમ કરીને તે વિદ્યાધરે ગુણધર પાસે ઘણું ધન મૂક્યું, પરંતુ ગુણધરે કહ્યું કે, “જે ધન મેં શુદ્ધ વ્યવહાર વડે-નીતિ વડે ઉપાર્જન કર્યું હોય તે જ ધન મને સુખ આપે ને તે જ મારે ખપે. આમાંનું કાંઈપણ મારે જોઈતું નથી, પણ તમે મારું ધન સ્વીકારો. કારણ કે મેં વિચાર કર્યો હતો કે મારા ઘોડાને જે સાજો કરે તેને મારું ધન આપવું. માટે તમે મારું ધન સ્વીકારો.” વિદ્યાધરે કહ્યું કે, “આ તો તમારી પરીક્ષા કાજે મેં માયા કરી હતી. તમે જે ધન આપવા ધાર્યું હતું તે ધન મારાથી કેમ લેવાય. તેથી આપણે બંને આ સઘળા યે ધનને શુભ માર્ગે વાપરીયે.” ગુણધરે કહ્યું: “તેવું શુભ સ્થાન તો ધર્મ જ છે. તેથી પરમાત્માના ચૈત્યના જીર્ણોદ્ધારમાં વાપરીને સદ્વ્યય કરીએ.” એ સઘળાયે ધનને જીર્ણોદ્ધારમાં ખરચ્યું. વિદ્યાધર ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે વ્યત્તર દેવ થયો ને અનુક્રમે ગુણધર સંયમ સ્વીકારી સુન્દર આરાધના કરીને હસ્તિનાગપુરમાં સુધર્મા નામના વણિકને ત્યાં ધન્યા નામની પત્નીની કુક્ષિએ જન્મ્યો. આમ તો સુધર્માને ત્યાં દારિત્ર્ય ખૂબ હતું, પણ જયારથી આ પુણ્યશાળી પુત્રનો જન્મ થયો ત્યારથી લક્ષ્મીના ઢગલા ને ઢગલા થવા માંડ્યા. તેથી પુત્રનું નામ પણ લક્ષ્મીપુંજ રાખ્યું. પૂર્વભવના પેલા દેવે તેનું ઘર સુવર્ણથી ભરી દીધું. લક્ષ્મીપુંજ ધીમે ધીમે મોટો થયો. યૌવનવય પામ્યો. માતાપિતાએ ઉત્તમ કુળની આઠ આઠ કન્યાઓ પરણાવી. કન્યાઓની સાથે લક્ષ્મીપુંજ ભૌતિક સુખો ભોગવે છે ને સુખે કાલ નિગમે છે.