________________
અચૌર્યવ્રત
૧૨૯ એકદા આવી રીતે પોતાની પત્નીથી પરિવરેલો લક્ષ્મીપુંજ બેઠો હતો તે વેળાએ પૂર્વનો દેવ ત્યાં પ્રગટ થયો ને તેણે તેનો પૂર્વભવ કહી સંભળાવ્યો. ગુણધર સાર્થવાહ તે તું પોતે જ લક્ષ્મીપુંજ અને સૂર્ય વિદ્યાધર તે હું વ્યત્તર છું. આ બધું સુખ ને વૈભવ પેલા ભવમાં પાળેલા વ્રતના પ્રભાવે છે, લક્ષ્મીપુંજને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અનુક્રમે તેણે દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળી તે અશ્રુત દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મનુષ્યપણું પ્રાપ્ત કરીને મોક્ષમાં જશે.
આ રીતે અદત્તાદાન વિરમણ વ્રતનો પ્રભાવ અભુત છે. જે વ્રત ગ્રહણ કરીને તેમાં દઢ રહેવું આવશ્યક છે. દઢ રહીએ તો જ યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. ચોરીની આદત એ ઘણી જ બૂરી છે. એ ટેવ પડી ગયા પછી આગળ વધવા છતાં ટેવ જતી નથી. આ ચોરીની શરૂઆત જીવનમાં નાની અને નજીવી ચીજોમાંથી થાય છે. પણ ખરેખર એ નાનું બીજ જયારે ફાલેફૂલે છે ત્યારે તેમાંથી કાંટા અને કડવાં ફળો પારાવાર મળે છે. જે ભોગવ્યા વિના છૂટકારો થતો નથી. સંસ્કારી મા-બાપો બાળકમાં પ્રથમથી કોઈની પણ ચીજ ન લેવાના સંસ્કારો કેળવે છે. જ્યારે અવિવેકી અને અણસમજુ મા-બાપો બાળકને ચોરી કરતાં શીખવે છે, તેથી બાળકનું જીવન બરબાદ થઈ જાય છે. ચોરી અંગે સ્વાર્થી માણસોમાં એક ભયંકર ગેરસમજ એ હોય છે કે ભલે કોઈની ચીજ ન લેવાય પણ રસ્તામાં કે બીજે કાંઈ મળી જાય તો તે લેવામાં શો દોષ? કેટલાક તો આપણને આ ભાગ્યે મળ્યું, ભગવાને આપ્યું એમ કહીને લઈ લે છે. પણ એ પણ ચોરીનો જ એક પ્રકાર છે. જે પોતાનું નથી તે લેવું એ ચોરી છે.