________________
૧૩૮
આત્મબોધ
દર્શન કર્યા. પરમાત્માને જોઈને પોપટને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વજન્મમાં હું મુનિ હતો. શાસ્ત્રોનું અધ્યયન કરવાનો ખૂબ રસ હતો. તે રસમાં ક્રિયાકાંડમાં શિથિલ થઈ ગયો. એમ ને એમ શુષ્ક અધ્યયન કરી કાળધર્મ પામી વ્રતવિરાધનાના કારણે પોપટ થયો છું.
આ સર્વ તેને યાદ આવ્યું ને તેણે પરમાત્માનાં દર્શન કર્યા વગર નહિં વાપરવાનો અભિગ્રહ લીધો. બીજે દિવસે રાજપુત્રી પોપટને બહાર કાઢી હાથમાં રાખી ખવરાવવા લાગી ત્યારે તેને નિયમ સાંભર્યો ને દર્શન કરવા માટે ઊડ્યો. માણસો પાસે પોપટને રાજપુત્રીએ પકડી મંગાવ્યો. ક્રોધે ભરાઈને પોપટની બંને પાંખો કાપી નાંખી અને કાષ્ઠના પાંજરામાં પૂર્યો. પોપટે નિયમને કારણે કાંઈ વાપર્યું નહિં અને અનશન કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયો. સુલોચના પણ પોપટની પાછળ અનશન કરી તેની દેવી થઈ. ત્યાંથી ચ્યવીને પોપટ તે તું શંખરાજા થયો અને સુલોચના રાજપુત્રી તે તારી પત્ની કલાવતી થઈ. પાંખો છેદવાના કર્મને લીધે તેનાં કાંડાં કપાયાં. મુનિરાજની વાત સાંભળી શંખ-કલાવતીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પુત્ર પુષ્પકલશને રાજ્ય ભળાવી રાજારાણીએ સંયમ લીધું. સુન્દર આરાધના કરી બંને સ્વર્ગમાં ગયાં. પ્રાન્તે મનુષ્યભવ પામી મોક્ષે જશે. શિયલનો કેવો અદ્વિતીય પ્રભાવ છે. તેમાં સ્થિર નહિં રહેનારનો શતધા વિનિપાત પણ નિશ્ચિત છે, માટે શિયલનું સેવન અવશ્ય કરવું હિતાવહ છે. ૨૪.