________________
૧૨૨
આત્મબોધ
દત્ત વિલખો પડી ગયો. ક્રોધથી તેને થતું હતું કે એક ઘાએ આના બે કટકા કરી નાંખું, પણ એનું પરિણામ સારું નહિ આવે. એટલે સાતમે દિવસે જો આચાર્યનું વચન સાચું નહિં પડે તો તેના ઉપર આરોપ મૂકીને મારીશ. એટલે મારી પ્રતિષ્ઠા જળવાશે. એમ વિચારીને દત્ત મહેલમાં ગયો. ને સાત દિવસ સુધી બહાર નહિ નીકળવાનો નિર્ણય કર્યો. સાતમો દિવસ થયો ત્યારે દત્તને થયું કે આચાર્યની મુદત્ત પૂરી થઈ ને તેનું વચન ખોટું પડ્યું છે. એટલે હવે તેને મારી નાંખું. ક્રોધ જીવને વિકળ બનાવે છે ને વિકળતાવાળો વિવેક કરી શકતો નથી. દત્ત તૈયાર થઈને બહાર નીકળ્યો.
આ બાજુ એક માળી ફૂલોનો મોટો ટોપલો ભરીને વહેલી સવારે યજ્ઞમાં આપવા માટે ફૂલો લઈને રાજમહેલ તરફ જતો હતો તેને એકદમ હાજત લાગી ને રાજમાર્ગની વચ્ચે જ તે ઝાડે જવા બેસી ગયો. મળ ઉપર ફૂલો નાંખીને તે ચાલ્યો ગયો. એ જ રસ્તે થઈને દત્ત અશ્વ પર બેસીને પસાર થતો હતો. પેલા મળના ઢગલા ઉપર અશ્વના જોરથી પગ પડ્યો ને વિઝા ઊછળી. દત્તનાં બધાં વસ્ત્રો ખરડાઈ ગયાં ને તેનો અંશ તેના મુખમાં પણ પડ્યો. દત્ત ગભરાઈ ગયો અને વસ્ત્રો બદલાવવા માટે પાછો ફર્યો.
મહારાજા જિતશત્રુના સૈનિકો દત્તને મારી નાંખવાની તક જોતા જ હતા. દત્ત મહેલમાંથી નીકળ્યો ત્યારબાદ તે મહેલના પ્રવેશદ્વાર પર સૈનિકો ખુલ્લી તરવારે ખડા થઈ ગયા હતા. તેમની ગોઠવણ હતી કે દત્ત પાછો ફરે ત્યારે તેને પૂરો કરી નાંખવો. જેવો દત્ત આવ્યો કે તરત જ સૈનિકોની તલવાર ફરી વળી. મરીને તે સાતમી નરકે ગયો.