________________
૯૪
આત્મબોધ
વિશદાર્થ :
સાધુ ભગવન્તની સેવા-વૈયાવચ્ચ-એ સમ્યક્ત્વના ત્રણ લિંગમાં એક લિંગ તરીકે આવે છે. કોઈને પણ સાધુ પુરુષની સેવા કરવી હશે તો વિદ્યાસાધકની જેમ સ્વાર્થ-સુખસગવડનો ત્યાગ કરવો જ પડશે. અપ્રમત્તતા ને અર્પણ ભાવના તો હોવી જ જોઈએ. પોતાનું જતું કરીને પણ બીજાનું કરવાની વૃત્તિ હોય તો સેવા થાય. સેવા કરવા માટે માન ને દુગંછાને તો દૂર કરવાં જ પડશે. તો જ સેવા થઈ શકશે. સેવા પણ જેવા તેવાની કરવાથી કાંઈ યથાર્થ ફળ નહીં આપે એટલે તે સીધી ન કહેતાં સાધુસેવા એમ કહ્યું. સાધુ પુરુષ એટલે કંચન-કામિનીના ત્યાગી, પંચમહાવ્રતધારી ને સંસારી આત્મા જે સુખવૈભવને મેળવવા માટે કેટકેટલાયે પ્રયત્નો કરે છે તેવા સુખવૈભવોને તરછોડીને આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કરનારા, નિર્પ્રન્થ મુનિવરો. આવા પવિત્ર પુરુષોની કરેલી સેવા તે યથાર્થ ફળવતી બને છે. ખરેખર સેવ્ય-સેવા કરવાયોગ્ય સાધુ મહારાજ છે. આજકાલ ‘માનવસેવા એ પ્રભુસેવા' એવાં વાક્યો સાંભળવા મળે છે પણ તેમાં લાભ કરતાં ગેરલાભ ઘણો છે. અનુકંપા-દયા દુ:ખીની કરાય ને સેવા તો પુજ્યની કરાય. માનવસેવાને નામે સ્વાર્થ સાધનારા વિશ્વમાં ખૂબ ગેરવ્યવસ્થા કરે છે. આવાં વચનો જીવને મિથ્યાત્વ તરફ ખેંચે છે.
સેવાનો માર્ગ તો ખૂબ કપરો અને કઠિન છે. સગવડપરાયણ ને અગવડભીરુ આત્મા કદીયે સેવા નહિં કરી શકે. નીતિકારો તો કહે છે કે सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ।
પરમ ગહન એવો સેવાધર્મ યોગીઓને પણ અગમ્ય હોય છે.
–