________________
૧૦૨
આત્મબોધ વિશદાર્થ:
અનાદિકાળથી વિષયો અને કષાયોમાં રચ્યાપચ્યા રહેતા આત્માને તેનાથી છોડાવી ધર્મ-તપ-ત્યાગને માર્ગે જોડવો તેનું નામ વિરતિ. જીવનમાં વિરતિ આવે એટલે પાપોને આવવાના રસ્તા બંધ થઈ જાય. નવું પાપ આવે નહિ અને જૂનું પાપ હોય તો વિરતિના બળે ક્ષીણ થઈ જાય; એટલે આપોઆપ મોક્ષ હાજર થાય. કેવો પ્રતાપ ને પ્રભાવ છે આ વિરતિનો. આમ તો સંસારના સઘળાયે પદાર્થોમાં વિરતિની પ્રેરણા ભરી છે. કોઈ દિવસ સાયંકાળે પશ્ચિમાકાશમાં ખીલેલી સંધ્યાને જોઈ છે ? તે સમયે રંગોની ઉજાણી કરવા વાદળો દોડધામ કરી રહ્યાં હોય છે, છૂટે હાથે વાપરો તોયે કદીયે ન ખૂટે એવા અનેકવિધ રંગોનાં કુંડા રેલાતાં હોય છે. તેમાંથી ભાતભાતનાં ચિત્રો જન્મે ને વિખરાય. આ દશ્ય એટલું બધું મનમોહક હોય છે કે આપણને થાય કે બસ, મટકું માર્યા વગર જોયા ને જોયા જ કરીએ. આંખને જરીયે તૃપ્તિ ન થાય એવાં દશ્યો ઊભરાતાં હોય છે. હવે એ જ દશ્ય વિરતિની આંખે જોશો તો એ રંગબેરંગી દશ્યોમાં અને સંસારના ભોગવિલાસમાં કાંઈ અંતર નહિં દેખાય. આપણી ચર્મચક્ષુથી જે કાંઈ દેખાય છે, તે બધું પેલા વાદળાના રંગ જેવું જ નશ્વર ને ક્ષણજીવી છે. કહ્યું છે કે
अनित्यं संसारे भवति सकलं यन्नयनगम् ।
પછી એ ઈન્દ્ર કે ચક્રવર્તીની ટોચની સુખ-સમૃદ્ધિ અને વિશાળ વૈભવ હોય કે રંકની ઝૂંપડી હોય બધુંયે ચમકદાર ચપલ વીજળી જેવું જ વિનશ્વર.
प्रसरति विषयेषु येषु रागः परिणमते विरतेषु तेषु शाकः । त्वयि रुचिरुचिता नितान्तकान्ते! रुचिपरिपाकशुचामगोचरोऽसि ॥१॥