________________
સાધુસેવા
૯૫
સેવા તો આમ ઘણાયે ઘણાની કરે છે, પણ બધાને સેવા ફળતી નથી. યોગ્ય ને સુપાત્રની શુદ્ધભાવે કરેલી સેવા અવશ્ય યથાર્થ ફળવતી બને છે. તેને એટલે સેવાને જીવનમાં તાણાવાણાની જેમ ગૂંથનાર સર્વને પ્રિય થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સેવા એ તો વગર મંત્રનું કામણ છે, વશીકરણ છે, નહિ તો કદરૂપા અરે ! કદરૂપ તો કેવું તેના ઉપર કોઈ થૂંકવા પણ રાજી નહિં એવું. એવા નંદિષણનાં પણ ઇન્દ્રની સભામાં વખાણ થયાં. એ તો સેવાના જ પ્રભાવેને ! તેની કથા આ પ્રમાણે છે.
નંદિગ્રામ નામનું ગામ છે. ત્યાં સોમિલ નામનો બ્રાહ્મણ વસે છે, તેને સોમિલા નામની સ્ત્રી છે. તેને નંદિષણ નામનો પુત્ર છે. તેને પૂર્વના અશુભ કર્મના ઉદયથી કુરૂપ-બેડોળ અંગોપાંગ મલ્યાં હતાં. પગથી માથા સુધીનું આખું શરીર અત્યંત કઢંગું હતું. જોતાંવેત લાગે કે બ્રહ્માએ ક્રોધ અને આવેશમાં તેનું શરીર ઘડ્યું હશે. પડતાને પાટું ને દાઝ્યા ઉપર ડામ એમ દૌર્ભાગ્યપૂર્ણ તો હતો જ ને તેમાં અધૂરામાં પૂરું તેનાં મા-બાપ તેને નાની વયમાં મૂકીને ચાલ્યાં ગયાં. મૃત્યુ પામ્યાં. નંદિષેણ એકલો અને અટૂલો, નિરાધાર બની ગયો. દૂરનો એક મામો આવી તેને પોતાના ઘરે લઈ ગયો, પણ ત્યાં એ કોણ એના પર વાત્સલ્ય કરે, શીળો હાથ ફેરવે. ઊલ્ટા તેઓ તેનાં મામા-મામી ને મામાની પુત્રીઓ તો તેનો તિરસ્કાર ને અપમાન કરતાં, છતાં પણ નંદિષણ ઘરનું બધુંયે નાનુંમોટું કામ કરતો. તેથી કામ પૂરતા તેને સાચવતાં. ડગલે ને પગલે થતો તિરસ્કાર તેનાથી સહેવાતો નહતો પણ થાય હું ! તે ઘણીવાર આવા દુઃખનું મૂળ શોધતો, પણ ભલભલા વિચારકો અને ચિન્તકો જ્યાં થાપ ખાય, ત્યાં આ અભણ અને બુદ્ધિશૂન્ય નંદિષણનું શું ગજું !