________________
૯૨
આત્મબોધ પલ્લીમાં લઈ ગયા. તે કાયમ ભિલ્લોની વાણી સાંભળે છે. તેથી તે ભિલ્લો જેવી વાણી બોલે છે. હું મધુર ને પ્રિયભાષી મુનિઓની વાણી સાંભળું છું. તેથી હું સંસ્કારી વાણી બોલું છું. પ્રત્યક્ષ જ છે કે ગુણ અને દોષ સંસર્ગથી ઉત્પન્ન થાય છે.
જોયુંને પશુઓ ઉપર પણ સંસર્ગની કેવી ઘાટી અસર થાય છે. તો આપણા ઉપર થાય એમાં શું નવાઈ ? સજ્જનોનો સહવાસ જરૂર ઊંચે લઈ જાય છે. વાલીઆ લૂંટારાનું જીવન કેવું હતું. નારદના થોડા જ પરિચય ને સહવાસથી જીવન કેવું ઊર્ધ્વગામી બની ગયું. તેથી જો જીવન જાગ્રત ને વિશુદ્ધ રાખવું હોય તો સત્સંગ અવશ્ય કરવો. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સદાચારના રક્ષણ માટે ઉત્તમ આત્માઓનો સંગ કરવો. હલકા અને શિથિલોનો સંગ ન કરવો.
“હીણા તણો જે સંગ ન તજે તેહનો ગુણ નહિ રહે, જયું જલધિ જળમાં ભળ્યું ગંગા નીર લૂણપણું લહે.”
સત્સંગનું સામર્થ્ય એવું વિશિષ્ટ છે કે નાનો કીડો પણ પુષ્પના સત્સંગથી પરમાત્માના મસ્તકે ચડે છે. માટે ઉન્નતિ ઈચ્છનારે સત્સંગ સતત કરવો. ૧૮.