________________
તપ
૬૭
જમીનને જરી પણ સ્પર્શ ન કરે તેમ જરાયે સ્વાદ લીધા વગર આહારને ઉદરમાં જવા દે. કહો ! કેટલી હદનો રસના-વિજય ! આવું હોય ત્યાં કઈ સિદ્ધિ બાકી રહે ? ન જ રહે.
એકવાર મગધસમ્રાટ શ્રેણિક પરમાત્મા મહાવીરસ્વામીને વંદન કરવા આવ્યા ને વંદન કરી પ્રભુને પૂછ્યું કે- “ભગવન્ ! આપના આટલા બધા શિષ્યોમાં ઉત્કૃષ્ટ તપસ્વી કોણ છે!” ત્યારે ભગવાન્ શ્રી વર્ધમાનસ્વામીએ પોતાના શ્રીમુખે કહ્યું કે- “હે શ્રેણિક ! આ ચૌદ હજાર મુનિઓમાં અતિ ઉત્કૃષ્ટ તપસ્વી ધન્નાઅણગાર છે.” એમ જ્યારે પરમાત્માએ પ્રકાશ્યું ત્યારે શ્રેણિક રાજાએ ધન્નાઅણગાર પાસે જઈ તેમને ત્રણ પ્રદક્ષિણા કરીને ખૂબ ભક્તિ ને સદ્ભાવના સહિત વંદના કરી વારંવાર અનુમોદના ને સ્તુતિ કરી.
ત્યારપછી થોડા કાળ પછી ખૂબ સમાધિભાવમાં કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ઉત્પન્ન થયા કે જ્યાંની આયુ:સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. ત્યાંથી એક મનુષ્યનો ભવ કરીને મુક્તિ મેળવશે. જોયું ને ! કેવળ નવ માસના જ સંયમપર્યાયમાં કેવું સાધી ગયા આ મહર્ષિ ! છે ને તપનું અપૂર્વ ને અજોડ માહાત્મ્ય ! આવું જાણીને આપણા કે કોઈ પણ ભવ્યના મુખમાં તરત જ ધન્ય છે આ તપસ્વીને” એવા શબ્દો સરી પડે છે.
દ્વારકા નગરીમાં પણ જ્યાં સુધી આયંબિલનું તપ થતું હતું ત્યાં સુધી દેવ જેવા સમર્થ પણ નગરીનું કાંઈ અહિત કરી શક્યા નહિં. એટલો તો મહિમા આ તપનો છે. દૃઢપ્રહારી જેવા જેણે ચાર-ચાર તો મહા હત્યા કરી હતી એવા ભારે કર્મી આત્મા પણ તે જ ભવમાં કેવળજ્ઞાનના સ્વામી બન્યા હોય તો એ રૂડો પ્રતાપ કોનો ! આ તપનો જ ને ! તે વાત આ પ્રમાણે છે ઃ