________________
૭૮
આત્મબોધ
વિચાર કરતો ઈલાચી ઠેઠ ઉપર ચડી ગયો. શુભ વિચાર શુભ દર્શનનું બીજ છે. ઉપર ચડેલા ઈલાચીએ અદ્ભુત દૃશ્ય જોયું. એક દેવભવન જેવા મહેલમાં એક સમભાવમાં ઝીલતા મુનિરાજ ઊભા છે. હાથમાં લાડુનો થાળ લઈને એક પદ્મિની સામે છે. નીરવ વાતાવરણ છે. એકેની આંખમાં મોહની રેખા પણ નથી. એ પણ એક જીવન છે. આ દશ્ય ઈલાચીના આત્મામાં રમી રહ્યું. તેને પોતાના ઉપર નફરત જાગી. ક્યાં વાસના અને ક્યાં ઉપાસના. ધ્યાનની શ્રેણી ઉપર એ ચડવા લાગ્યો. ભાવનાએ એના ભવનો ભુક્કો બોલાવી દીધો. મોહ નાસી છૂટ્યો. અજ્ઞાન-અદર્શન અને વિઘ્નોએ વિદાય લીધી. ઘાતીકર્મોનો ઘાત થયો. ઈલાચીને કેવલજ્ઞાન થયું. દેવોએ દુંદુભિ વગાડી. બગડતી બાજી સુધરી ગઈ. કમળ ઉપર વિરાજીને કેવળજ્ઞાની ઈલાચીકુમારે દેશના દીધી. ભવભ્રમણના ભાવો સમજાવ્યા. પૂર્વભવોની વાતો કરી. રાજારાણી નટકન્યા નટ વગેરે પ્રતિબોધ પામ્યા. સંયમ લીધું અને બધાએ ભવનો અંત કર્યો. ભાવનાનું એક કિરણ પણ સ્પર્શી જાય છે તો કાંઈ અસાધ્ય રહેતું નથી. આમ ભાવનાના જોરે ઘણા જીવો કામ કાઢી ગયા.
જીરણ શેઠની ભાવના જુઓ. કહેવાય છે કે દેવદુંદુભિનો અવાજ ન સાંભળ્યો હોત તો એ પણ કૈવલ્યને આંબી જાત. ભાવના શુદ્ધ કરવી એ જ કરણીય છે. બાકી દુર્ભાવનાને બોલાવવી પડતી નથી. એ તો ચીટકેલી જ રહે છે. તેને દૂર કરવી પડે છે. મહાવ્રતો લીધા પછી પણ તેને સ્થિર કરવા માટે સારી ભાવના રોજ ભાવવી જરૂરી છે. એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવના છે. એમ સર્વ મળી પચ્ચીશ ભાવનાઓ છે. ટૂંકમાં તે આ પ્રમાણે છે.