________________
८८
આત્મબોધ
વિશદાર્થ :
પ્રાણીમાત્રનું જીવન આમ તો શરૂઆતમાં કોરા ઘડા જેવું, જેવા સંસ્કારો આપવા હોય તેવા આપી શકાય એવું હોય છે. તે જીવનને જેવી સોબત, જેવો સંગ મળે છે તેવું ઘડતર થાય છે. એટલે જ કહેવાય છે કે સોબત તેવી અસર” અને “સંગ તેવો રંગ.”
કહ્યું કે :
सङ्गः सर्वात्मना त्याज्य; स चेत् त्यक्तुं न शक्यते । सद्भिः सहैव कर्तव्यः सतां सङ्गो हि भेषजम् ॥१॥
એ તો કહે છે કે કોઈનો પણ સંગ ન કરવો. કદાચિત્ એમ ન થાય તો સજ્જનોની સાથે જ સંગ કરવો. કારણ કે સજ્જનોનો સંગ-સહવાસ એ ખરેખર ઔષધ છે. સજ્જનો સાથે સંગ કરવાથી જીવન વિશુદ્ધ અને નિરામય બને છે.
જીવનને સુરક્ષિત ને સંસ્કારી રાખવું હોય તો જરૂર સારા પુરુષોનો સંગ કરવો. કારણકે સત્ પુરુષોનો સંગ અત્તરિયાની દુકાન જેવો છે. અત્તરિયાની દુકાને ઇચ્છાએ-અનિચ્છાએ પણ અત્તરની સુવાસ મળ્યા જ કરે છે. જ્યારે કુસંગ કોલસાની દુકાન જેવો છે. જાણે-અજાણે પણ ત્યાં કાળો ડાઘ લાગ્યા વગર રહેતો નથી.
પાણીનું એક નાનું બિંદુ - આમ તો તેની કાંઈ કિંમત જ નથી. તે એમને એમ નાશ પામી જાય છે. એક બિંદુ તો શું એવાં સેંકડો બિંદુઓ તપાવેલા લોઢા ઉપર પડતાની સાથે જ મરણને શરણ પહોંચી જાય છે. એનું નામનિશાન પણ રહેતું નથી. એવાં બિન્દુઓ મોતી જેવાં શોભે છે, એ વાત તમને સમજાય છે ? જોયું છે કોઈ વખત !