________________
૭૦
આત્મબોધ
રહેવું ને જયાં સુધી એક પણ માણસ મને દુષ્ટ કહે ત્યાં સુધી આહાર ગ્રહણ કરવો નહિ.” એવો દઢ અભિગ્રહ લઈને તે મુનિ ગૌચરી માટે ગામમાં રોજ જાય. બધે ફરે. તેને જોઈને લોકો બોલે કે- “આ પાપીએ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી ને બાળક એમ ચાર મહાહત્યાઓ કરી છે. આ તો ગામનો ભયંકર લૂંટારો છે.” એમ બોલીને મુનિની તર્જના કરે. લાકડીથી અને પત્થરોથી તે મુનિને મારે. પણ મુનિ તો અપૂર્વ સમભાવથી સર્વસાની જેમ સઘળુંયે સહન કરે. કાંઈએ અવળું વિચારે નહિ, ઊલટું પોતાના આત્માને નિંદે, ભારોભાર ઠપકો આપે કે- “લોકો શું ખોટું કહે છે. તે એવું કર્યું છે ને ! ક્યાં આંબા વાવ્યા છે ? બાવળ વાવીને આંબાની ઇચ્છા કેમ રાખી શકાય. લોકો તો સારા છે કે મને મારી નાંખતા નથી.” એ પ્રમાણે સમભાવથી લોકોનાં દુર્વચનોને સહન કરે. આ જ આભ્યન્તર-મહત્ત્વનું તપ છે. આનાથી જ ભયંકર કર્મો પણ ક્ષય પામે છે. આવી રીતે છ માસ સુધી સહન કરતાં અને અપૂર્વ સમતા સુધારસમાં ઝૂલતાં ઝૂલતાં ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયા ને શુક્લધ્યાનથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. જોયું ને! તપનો કેવો અપ્રતિમ પ્રભાવ છે. જીવને કઈ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં લાવી મૂકે છે, જે વેળા એ દઢપ્રહારીએ ચાર હત્યા કરી ત્યારે કોઈ પણ કહે ખરા કે આ આત્મા આ ભવમાં જે મોક્ષમાં જશે ? પણ તપના જ પ્રતાપે ન કલ્પી શકાય, ન માની શકાય એવું ઉત્તમ ફળ આવ્યું. તો આપણે પણ આવું સમજી-જાણી તપ આચરવામાં વિશેષ ઉદ્યમવન્ત થવું એ જ. આ સમજ્યા-જાણ્યાની સાર્થકતા છે. ૧૫.