________________
દાનધર્મ
વિશદાર્થ :
-
૫૧
દાનધર્મ શ્રી પરમાત્માના અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાળબાધ્ય શાસનના પ્રત્યેક અનુષ્ઠાનોમાં દાનધર્મ એ પ્રધાન રહેતો આવ્યો છે. કોઈ કહેશે કે મારે દાન નથી દેવું, હું તો શિયળ પાળીશ, તપ કરીશ અને ભાવના ભાવીશ અને ભવપાર પામીશ, પણ તેનાં શીલ, તપ અને ભાવ પણ દાન વગર ટકી શકશે નહિં. દાન વગરનો એકે ધર્મ છે જ નહિં. દાન એ સૌ કોઈ મહાપુરુષના જીવનમાં મુખ્ય ભાગ ભજવતો આવ્યો છે.
શાલિભદ્રના દિવ્ય ભોગોના મૂલમાં આ દાન જ હતું ને ! શાલિભદ્રના પૂર્વભવમાં એટલે સંગમકના ભવમાં માસક્ષમણના પારણે મુનિરાજશ્રી પધાર્યા છે, પોતે કજિયો કરીને માતાની પાસેથી મેળવેલી ખીર, જેને મેળવવા પોતે કેટલાએ ધમપછાડા કર્યા હતા તે ખીર ભાણામાં (ભાજનમાં) તૈયાર કરી રાખી છે. હજુ જરાએ ચાખી પણ નથી, ત્યાં તો તપસ્વી પધાર્યા કે તરત જ એકદમ ઉલ્લાસપૂર્વક સાધુ મહારાજને પાત્રમાં તે સઘળી ખીર વ્હોરાવી દીધી. એ દાનના જ કોઈ અચિત્ત્વ પ્રભાવે તે અહિં મનુષ્યભવમાં વસવા છતાં પણ દેવોના ભોગોને ભોગવનાર શાલિભદ્ર થયો ને તરી ગયો.
દાન એટલે શું ? આપવું એટલું જ નહિં, આપવા માત્રને દાનની કોટિમાં મુકાતું હોય તો કોઈએ માંગ્યું કે મને ઝેર આપો, તો આપવું ? એમાં દાનનું શું ? દાનનો અર્થ આપવું એ તો છે જ પણ કેવળ આપવું અર્થ એ ખૂબ ટૂંકો છે. એનો વ્યાપક અર્થ-વિશાળ અર્થ કહો કે સૂક્ષ્મ અર્થ કહો તો તે એ છે કે મૂર્ચ્છત્યાગ તે જ દાન. દ્રવ્ય, ક્ષેત્ર, કાળને જોઈ તેનો ઉપયોગ અને તેનું પરિણામ પણ સંપૂર્ણ જોવું આવશ્યક છે.