________________
દાનધર્મ
૫૩ સાથવો કરી આપ્યો તે લઈને ગુણસાર તે ભણી ચાલી નીકળ્યો. મનમાં ઘણા સંકલ્પ-વિકલ્પ થાય છે. ગામથી પ્રયાણ કર્યું તે દિવસે ઉપવાસ કર્યો ને બીજે દિવસે પારણું કરવા માટે નદીને કિનારે જગ્યાને જયણાપૂર્વક શુદ્ધ કરીને પારણું કરવાની તૈયારી કરતો હતો. મનમાં એવી ભાવના હતી કે આવા સમયે કોઈ તપસ્વી અતિથિ પધારે તો ઘણો લાભ થાય. જે વસ્તુ થવાની હોય છે તે જ વસ્તુની ઈચ્છા પુણ્યશાળી પુરુષને થાય છે. એ ન્યાયે મનમાં આ વિચાર ચાલે છે ત્યાં જ કોઈ માસક્ષમણના તપસ્વી મુનિરાજ આવતા દેખાય છે. ગુણસારે લાભ આપવા નમ્ર વિનંતિ કરી. વિના વાદળે વૃષ્ટિ થઈ, મારે આંગણે તો કલ્પવૃક્ષ ફલ્યો. એવું માનવા લાગ્યો. ઘણા જ ભાવોલ્લાસની ભરતી તેના ચિત્તસાગરમાં આવી. ઘણા જ આનંદ સાથે તેણે મુનિમહારાજને બધો સાથવો વહોરાવી દીધો. મનમાં જરાય ખેદ કે ગ્લાનિ ન આવી કે મારે ઉપવાસનું પારણું હતું, ને ક્યાં આ મુનિ મહારાજ પધાર્યા ! પણ તેને બદલે ખૂબ ઉત્સાહ હતો.
સાંજે સાસરાને ઘેર પહોંચ્યા ત્યાં તો મીજબાની ઊડતી હતી. તેને દૂરથી આવતો જોઈને તેના સાળાએ બારણાં બંધ કરી દીધાં. છતાં મનમાં દુઃખ નથી. બહાર બેઠા, થોડીવાર પછી વાતાવરણ શાંત થયું ત્યારે અંદર ગયા. તેઓએ સ્વસ્તિ વાચન સંભળાવવા માંડ્યું. કંઈ સમય જોઈને આવો છો કે એમને એમ. મનમાં આવ્યું ને આ હાલી નીકળ્યા ! વગેરે ઘણું કહ્યું. ગુણસારને મનમાં ઘણું લાગી આવ્યું. જ્યાં અહીંયાં આવી ચડ્યો ! હજુ તો આવ્યો ત્યાં તો આટલી બધી બાણવર્ષા થાય છે. એમાં જો વાસ્તવિક પરિસ્થિતિ કહીશ તો તો પૂરેપૂરું યુદ્ધમેદાન બની જશે. આ વિચારે તેણે વાજું બદલ્યું. કહ્યું કે ખાસ કાંઈ નહિ, ગામડે નીકળ્યો હતો તો થયું કે લાવને ગામમાં ઘર છે તો મળતો જાઉં, એટલે આવ્યો છું.