________________
શિયલ
૬૧
આશ્ચર્યચકિત થઈ કપિલાએ કહ્યું કે- ‘સુદર્શન તો નપુંસક છે' તેને વળી પુત્ર કેવા ! રાણીએ કહ્યું કે- ‘તને ક્યાંથી ખબર કે તે નપુંસક છે.' ત્યારે કપિલાએ પોતાની બધી વાત કહી. અભયાએ કહ્યું કે-‘તું મૂર્ખ છે. તને તે કપટ કરીને છેતરી ગયો.'
કપિલાએ કહ્યું કે- ‘તમે તો ચતુર છો ને ! જો તમે તેને ચળાવી શકો તો માનું કે તમારી ચતુરાઈનો પાર નથી.’ અભયાએ વાત કબૂલ કરી. પછી સુદર્શનને ફસાવવા માટે અભયા બહાનું કાઢીને મહેલમાં રહીને પંડિતા નામની એક દાસીને સુદર્શનને તેડી લાવવા માટે મોકલી. તે દિવસે પતિથિ હોઈ સુદર્શન શેઠ પૌષધ લઈ કાયોત્સર્ગ કરતા હતા. પંડિતા બળાત્કારે તેને ઉપાડીને રથમાં નાંખીને કામદેવની મૂર્તિના બહાને રાજમહેલમાં અભયારાણી પાસે લઈ આવી. એકાન્તમાં રાણીએ તેને હાવભાવથી વિકારની ચેષ્ટા કરી પણ સુદર્શન નિશ્ચેષ્ટ જ રહ્યો. પછી અભયાએ એક પછી એક તેને ચળાવવાના ઉપાયો હીરાને ભાંગવા માટે ચપ્પુ કે બરછીના ઘાની જેમ અજમાવવા માંડ્યા. પણ તેથી તે ગમે તેવા પવનથી પર્વત ડગે નહિં તેમ જરાયે ચળ્યો નહિં. અભયાનું એકે શસ્ત્ર કારગત ન નીવડ્યું. અભયા હારી. તેણે આખરે તેની ઉપર આળ ચઢાવ્યું. ચોકીદારો ભેળા થઈ ગયા. તે કહેવા લાગી કે, ‘સુદર્શન મારું શીલ લૂંટવા અહીં લાગ જોઈને આવ્યો છે.'
સિપાઈઓ આવ્યા. રાજાને વાત કરી. રાજાએ તેને પકડી મંગાવ્યો. ઘણું પૂછ્યું, પણ રાણી ઉપરની દયાથી સુદર્શને મૌન ધારણ કર્યું. ન બોલવાથી તેને જ ગુનેગાર માની રાજાએ સિપાઈઓને કહ્યું કે- “આને આખા નગરમાં ફેરવી શૂળી પર ચડાવી ઘો.” એટલે સિપાઈઓ તેને નગરમાં ફેરવવા લાગ્યા.
,,