________________
૪૯
શ્રવણેન્દ્રિયનિરોધ નગરમાં આવ્યાં ને ત્યાં રાણીના ઘરેણાં વેચીને રાજા ધંધો કરવા લાગ્યો. એકદા રાણીએ કહ્યું કે મને એકલા ઘરમાં બીક લાગે છે. રાજાએ એક પાંગળાને શોધી કાઢ્યો ને ઘરે રાખ્યો. તે પાંગળાનો કંઠ અતિશય મધુર હતો. રાણી તેના કંઠ પર મોહી પડી. પછી તો ધીરે ધીરે પરિચય વધતાં રાજા તેને શલ્ય રૂપ લાગવા માંડ્યો. એકદા વસંત ઋતુમાં ખૂબ મદિરાપાન કરાવીને રાજાને તે બંનેએ નદીમાં હડસેલી મૂક્યો. ને પાંગળાને પતિ રૂપે રાખીને રાણી રહેવા લાગી. ખભે ઉપાડીને ફરે, પાંગળો ગાય-લોકો ખુશ થાય ને દાન આપે. એ પ્રમાણે જીવનનિર્વાહ તેઓ કરવા લાગ્યાં. બીજી બાજુ રાજા જિતશત્રુ નદીમાં તણાતો-તણાતો એક નગરને પાદરે કાંઠા પર આવ્યો. ત્યાંનો રાજા અપુત્રીયો અવસાન પામ્યો હતો. હાથણીએ આ જિતશત્રુ પર કળશ ઢોળ્યો ને તે ત્યાંનો રાજા થયો.
સુકુમાલિકા અને પાંગળો એક ગામથી બીજા ગામ ફરતાંફરતાં અનુક્રમે તે જ નગરમાં આવી પહોંચ્યાં. લોકો પૂછે ત્યારે સુકુમાલિકા કહેતી કે- “મારા મા-બાપે મને આની સાથે પરણાવી છે. હું તેને દેવ જેવો માનું છું.”ધીરે ધીરે ગામમાં પાંગળાના કંઠની અને સુકુમાલિકાના સતીપણાની પ્રસિદ્ધિ ખૂબ ખૂબ થઈ. રાજાના સાંભળવામાં આ વાત આવી ને તે બંનેને બોલાવ્યાં. બંનેને રાજાએ ઓળખ્યાં. રાજાએ પૂછ્યું ત્યારે તેને નહિં ઓળખતી સુકુમાલિકાએ બધાને દેતી હતી તે જ ઉત્તર આપ્યો. એટલે રાજાએ કહ્યું કે- “ધન્ય છે તને, પતિના બાહુનું લોહી પીનારી, સાથળનું માંસ ખાનારી અને પતિને નદીમાં વહેતો મૂકનારી ! તારા સતીપણાને ધન્ય છે.” સ્ત્રીને અવધ્ય જાણીને દેશપાર કરીને પોતે વિષયોના વિપાક કેવા બૂરા છે એ વિચારી સંયમ લઈ સ્વર્ગે ગયો. આવી છે શ્રવણેન્દ્રિય. માટે તેને બહેકાવવી નહિં. ૧૨.