________________
જાપનો પ્રભાવ.
૩૭
નવકારનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ દૂર કરે છે, નવકારના એક પદથી પચાસ સાગરોપમમાં કરેલાં પાપનો ક્ષય થાય છે અને આખો નવકાર ગણવાથી પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે. વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતની પૂજા કરીને જો ભવ્ય જીવ એક લાખ નવકાર ગણે, તો તે પ્રાણી વગર શંકાએ તીર્થંકર નામગોત્ર બાંધે છે, આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ (૮, ૦૮, ૦૮, ૮૦૮) નવકાર ગણે તે પ્રાણી ખરેખર ત્રીજે ભવે મોક્ષપદને પામે છે.”
આલોકના લાભ ઉપર શિવકુમારનું દૃષ્ટાંત
જુગાર આદિ વ્યસનમાં આસક્ત થયેલા શિવકુમારને તેના પિતાએ પોતાના મૃત્યુ સમયે શિખામણ દીધી કે - “કષ્ટ પડે ત્યારે નવકાર ગણજે' પછી પિતાના મરણ પામ્યા બાદ તે પોતાના દુર્વ્યસનથી નિર્ધન થયેલો ધનાર્થી કોઈક દુષ્ટ પરિણામવાળા યોગીના કહેવાથી તેનો ઉત્તરસાધક બનીને કાળી ચઉદશની રાત્રે તેની સાથે સ્મશાનમાં આવી, હાથમાં ખડ્ગ લઈ ત્યાં તે યોગીએ તૈયાર રાખેલા મડદાના પગને મસળતો હતો; તે વખતે પોતાના મનમાં ભય લાગતાં તે નવકારનું સ્મરણ કરવા લાગ્યો. બે-ત્રણ વાર તે શબ ઊભું થઈને શિવકુમારને મારવા આવ્યું પણ નવકાર મંત્રના પ્રભાવથી તેને મારી શક્યું નહીં છેવટે ત્રીજી વારે તે શબે પેલા યોગીનો જ વધ કર્યો કે જેથી તે યોગી જ સુવર્ણ પુરુષ બની ગયો, તેથી તેણે ઘણી રિદ્ધિ મેળવી. તેનાથી તેણે જિન-ચૈત્યાદિ ઘણાં ધર્મકૃત્ય કર્યાં.
પરલોકના ફળ ઉપર સમળીનું દૃષ્ટાંત
ભરૂચની પાસે આવેલા વનમાં વડના ઝાડ ઉપર બેઠેલી કોઈક સમળીને પારધીએ બાણથી વીંધી નાખી. તેને પાસે રહેલા કોઈક સાધુએ નવકાર સંભળાવ્યો, તેથી તે મરણ પામ્યા પછી સિંહલ દેશના રાજાની માનવંતી પુત્રીપણે ઉત્પન્ન થઈ તે તરુણ અવસ્થા પામી તે વખતે એકદા પાસે રહેલા કોઈકને છીંક આવતાં તેણે “નમો અરિહંતાણં” એવો ઉચ્ચાર કર્યો, જેથી તે સાંભળતાં રાજકુમારીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણીએ પોતાના પિતાને કહી પાંચસો વહાણ માલના ભરી ભરૂચ નગરીની પાસે આવેલા વનમાં, તે જ વડના ઝાડ આગળ (જ્યાં પોતે મરણ પામી હતી ત્યાં જ ) આવી અને “સમળીવિહાર' નામનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મોટું જિનાલય કરાવ્યું. એમ જે પ્રાણી મરણ પામતી વખતે પણ નવકારનું સ્મરણ કરે છે તેને પરલોકમાં પણ સુખની ને ધર્મની પ્રાપ્તિ થાય છે.
ધર્મજાગરિકા :
તે માટે સૂતાં અને ઊઠતાં તત્કાળ નવકાર મંત્રનું ધ્યાન કરવું શ્રેયસ્કર છે. વળી ધર્મજાગરિકા કરવી (પાછલી સત્રે વિચાર કરવો) તે પણ મહા-લાભકારક છે કહેલું છે કે :
:
कोहं का मम जाई, किं च कुलं देवया च के गुरूणो । को मह धम्मो के वा, अभिग्गहा का अवस्था
||