________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૧૪૮
ગુણાકર મુનિ વહોરવા પધાર્યા. તેમને કોઢનો રોગ હતો અને તેમાં કૃમિ ઉત્પન્ન થયા હતા. તેના મિત્રો ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ લઈ આવ્યા. જીવાનંદ લક્ષપાક તેલ લાવ્યો. મુનિના શરીરે પ્રથમ તેલ ઘસ્યું અને પછી રત્નકંબલ ઢાંકી. તે તૈલની ગરમીથી નીકળેલા કૃમિઓ રત્નકંબલમાં ચોંટ્યા. રત્નકંબલ ઉઠાવી તે કૃમિને એક મૃતક ઉપર મુક્યા. આ રીતે ત્રણવાર કરી મુનિને રોગ રહિત કર્યા. આ પુણ્ય ઉપાર્જનથી છએ મિત્રો ચ્યવી બારમે દેવલોકે ગયા.
તેમજ સુસ્થાનકે સાધુને ઊતરવા માટે ઉપાશ્રય વિગેરે આપે. જે માટે શાસ્ત્રમાં લખેલ છે કે - વસતિ (ઉપાશ્રય), સૂવાનું આસન, ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિ જો અધિક ધનવાન ન હોય તોય થોડામાંથી થોડું પણ આપે. તપ નિયમના જોગથી યુક્ત મુનિવરોને જે ઉપાશ્રય આપે છે તેણે વસ્ત્ર, અન્ન, પાન, શયન અને આસન વિગેરે આપ્યાં જ છે.
સાધુને ઉપાશ્રય આપવાથી જયંતી શ્રાવિકા, વંકચૂલ, અવંતીસુકુમાલ, કોશા શ્રાવિકા, વિગેરે સંસારરૂપ સમુદ્ર તર્યા છે.
કૌશાંબી નગરીમાં શતાનીક રાજાની બહેન જયંતી નામે ભગવાન મહાવીરના સાધુઓની પ્રથમ શય્યાતર, વસતિ આપનાર હતી. એક વખત ભગવાન મહાવીરસ્વામી સમવસર્યા. જયંતી પોતાની ભાભી મૃગાવતી સાથે તેમની દેશનામાં ગઈ. ત્યાં તેણે ભગવંતને જીવહિંસા વિગેરેના વિવિધ પ્રશ્નો પૂછી ઉત્તર મેળવ્યા. અને ત્યારબાદ તેણે ચંદનબાળા પાસે દીક્ષા ગ્રહણ કરી. માસખમણને અંતે નિર્વાણ પામી.
વંકચૂલની કથા.
એક નગરીમાં વિમળયશ નામે રાજાને પુષ્પસૂલ નામે પુત્ર અને પુષ્પચૂલા નામે એક પુત્રી હતી. પુષ્પચૂલના ઉદ્ધૃત સ્વભાવથી રાજાએ તેને વંકચૂલ કહી કંટાળીને કાઢી મૂકયો. તેની પાછળ તેની બહેન અને પત્ની પણ ગયાં. એક જંગલમાં તે ગયાં ત્યાં ભિલ્લોએ વંકચૂલને તેનો રાજા બનાવ્યો. ઉદ્ધત સ્વભાવી વંકચૂલ વધુ નિર્દયી અને પાપરસિક બન્યો.
એક વાર તેની અટવીમાં કોઈ આચાર્ય પધાર્યા. ચોમાસું બેઠેલ હોવાથી તેમણે સ્થાનની માગણી કરી. વંકચૂલે ધર્મોપદેશ ન આપવાની શરતે મુનિરાજને ચાતુર્માસ રાખ્યા, ચાતુર્માસ વીતે મુનિને વળાવવા વંકચૂલ સીમા સુધી ગયો. મુનિએ વળતાં તેને ચાર શિખામણ આપી ૧ અજાણ્યાં ફળ ખાવાં નહિ. ૨ સાત આઠ પગલાં પાછા હઠીને કોઈના ઉપર ઘા કરવો. ૩ રાજાની સ્ત્રી ભોગવવી નહિ. ૪ કાગડાનું માંસ ખાવું નહિ. ચારે શિખામણ સરળ હોવાથી તેને પાળવાનું વંકચૂલે મુનિ પાસે કબૂલ્યું. મુનિના છેલ્લા પરિચયે વંકચૂલ હળવા પરિણામવાળો થયો.
સમય જતાં આ ચારે નિયમોની કસોટીનો પ્રસંગ વંકચૂલને પોતાના જીવનમાં આવ્યો અને તેથી તેને લાભ થયો. એક સમયે ચોરોની સાથે કોઈ સાર્થને લુંટી તે જંગલમાં આવ્યો ત્યાં કોઈ પરિચિત ફળ ન દેખાયું. સુંદર આકારનાં મનોહર ફળોને તેના સાથીદારોએ ખાધાં. વંકચૂલે પોતાનો નિયમ હોવાથી તે ફળ ન ખાધાં. થોડા વખતમાં સાથીદારો મૃત્યુ પામ્યા. પાછળથી ખબર પડી કે તે અજ્ઞાત ફળ કિપાકનાં હતાં.