________________
૧૬૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
અને તેના અનુસારથી બીજી વસ્તુનું પણ તેણે પરિમાણ રાખ્યું. પરિમાણ કરતાં ધન આદિ વૃદ્ધિ પામે તો તેણે ધર્મકાર્યમાં વાપરવાનો નિશ્ચય કર્યો. આગળ જતાં પાંચ દ્રમ્મ એકઠાં થયા.
એક સમયે આભડે પાંચ દ્રમ આપી એક બકરીના ગળામાં મણિ બાંધ્યો હતો તેને ઓળખી ખરીદ્યો. તેના કટકા કરી એકેકનું લાખ લાખ મૂલ્ય ઉત્પન્ન થાય એવા મણિ તૈયાર કરાવ્યા. તેથી અનુક્રમે તે પૂર્વે હતો તેવો દ્રવ્યમાન થયો. ત્યારે આભડના કુટુંબના સર્વ માણસો ભેગા થયા. તેના ઘરમાંથી દરરોજ સાધુ મુનિરાજને એક ઘડા જેટલું ઘી વહોરાવતા. પ્રતિદિન સાધર્મિવાત્સલ્ય, સદાવ્રત તથા મહાપૂજા આદિ આભડને ઘેર થતું હતું. વર્ષે વર્ષે સર્વ સંઘની પૂજા બે વાર થતી હતી. તથા વિવિધ પ્રકારનાં પુસ્તક લખાતાં, તેમજ જીર્ણમંદિરના જીર્ણોદ્ધાર થતા હતા તથા ભગવાનની મનોહર પ્રતિમાઓ પણ તૈયાર થતી હતી.
એવાં ધર્મકૃત્ય કરતાં આભડની ચોરાશી વર્ષની અવસ્થા થઈ. અંતસમય નજદીક આવ્યો ત્યારે આભડે ધર્મખાતાનો ચોપડો વંચાવ્યો. તેમાં ભીમરાજાના સમયના અઠાણું લાખ દ્રમ્મનો વ્યય થયેલો તેના સાંભળવામાં આવ્યો. તેથી આભડે દિલગીર થઈને કહ્યું કે “મેં કૃપણે એક કોડ દ્રમ્પ પણ ધર્મકાર્યો વાપર્યા નહીં.” તે સાંભળી આભડના પુત્રોએ તે જ સમયે દશલાખ દ્રમ્મ ધર્મકૃત્યમાં વાપર્યા. તેથી સર્વ મળી એક કોડ અને આઠ લાખ દ્રમ્ ધર્મ ખાતે થયા. વળી બીજા આઠ લાખ દ્રમ્મ ધર્મને માટે વાપરવાનો આભડના પુત્રોએ નિશ્ચય કર્યો. પછી કાળ-સમય આવે આભડ અનશન કરી સ્વર્ગે ગયો. આ રીતે આભડનો પ્રબંધ કહ્યો છે. સંતોષવૃત્તિ.
પૂર્વભવે દુષ્કતના ઉદયથી પૂર્વના સરખી અવસ્થા ફરીથી ન આવે તો પણ મનમાં ધીરજ રાખવી. કારણ કે આપત્કાળરૂપ સમુદ્રમાં ડુબતા જીવને ધીરજ વહાણ સમાન છે. સર્વે દિવસ સરખા કોના રહે છે? કહ્યું છે કે આ જગતમાં સદાય સુખી કોણ છે? લક્ષ્મી કોની પાસે સ્થિર રહી? સ્થિર પ્રેમ કયાં છે? મૃત્યુના વશમાં કોણ નથી ? અને વિષયાસક્ત કોણ નથી ? માઠી અવસ્થા આવે ત્યારે સર્વ સુખનું મૂળ એવો સંતોષ જ નિત્ય મનમાં રાખવો. તેમ ન કરે તો ચિંતાથી આ લોકનાં તથા પરલોકનાં પણ તેનાં કાર્ય વિનાશ પામે. કહ્યું છે કે ચિંતા નામે નદી આશારૂપ પાણીથી ભરપૂર ભરેલી વહે છે. હે મૂઢ જીવ ! તે નદીમાં તું ડૂબે છે, તને એમાંથી તારનાર સંતોષરૂપ જહાજનો આશ્રય લે. વિવિધ પ્રકારના ઉપાય કર્યા પછી પણ જો એમ જણાય કે “પોતાની ભાગ્યદશા જ હીન છે.” તો કોઈ ભાગ્યશાળી પુરુષનો સારી યુક્તિથી કોઈ પણ રીતે આશ્રય કરવો. કારણ કે કાષ્ઠનો આધાર મળે તો લોઢું અને પથ્થર આદિ વસ્તુ પણ પાણીમાં તરે છે. એવી વાત સાંભળવામાં આવી છે કે - ભાગીદારના ભાગ્યથી થતા લાભનું દૃષ્ટાંત.
એક ભાગ્યશાળી શેઠ હતો. તેનો વણિકપુત્ર (મુનિમ) ઘણો જ વિચક્ષણ હતો. તે પોતે ભાગ્યહીન છતાં શેઠના સંબંધથી પૈસાવાળો થયો. અનુક્રમે શેઠ મરણ પામ્યા ત્યારે તે પણ નિધન