________________
૩૨૮
પરિશિષ્ટ
તેવી જ રીતે આપણાથી ઘણા ઉચ્ચસ્થાને બિરાજમાન અને ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, અહિંસા, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, દયા, દાન, પ્રેમ, પરોપકાર, સ્વાધ્યાય, સત્કર્મ, સહાય, વિનય, વિવેક, શાન્તિ, વાત્સલ્ય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ-ધ્યાન, આદિ અનંત ગુણગણથી ભરપૂર અરિહંત આદિ પરમેષ્ટિ ભગવંતોને આપણે જ્યારે શુદ્ધ ભાવે નમ્રતાપૂર્વક પ્રણામ કરીએ છીએ ત્યારે જ આપણા ઘટમાં-અંતઃકરણમાં ધર્મનો પ્રવેશ શક્ય બને છે. એટલા માટે ધર્મના પ્રારંભમાં અરિહંતાદિ ભગવંતોને નમસ્કાર કરવાનું વિધાન કરવામાં આવ્યું છે.
અચિંત્ય અને અનંત શક્તિથી ભરેલા પરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે વિનમ્ર બની જીવ જ્યારે ભક્તિયુક્ત પરિણામવાળો બને છે ત્યારે પરમાત્માની અચિંત્ય શક્તિનો તેમાં પ્રવેશ થાય છે. આ રીતે જીવની ભક્તિ અને પરમાત્માની અચિંત્ય શક્તિ એ બન્નેનો સુમેળ થાય છે ત્યારે આત્મામાં ભાવધર્મનો પ્રવેશ સુલભ બને છે.
વિકાસક્રમની અસંખ્ય ભૂમિકાઓ છે. તેમાં આત્મા ગમે તે ભૂમિકામાં રહ્યો હોય પણ જ્યારે તે પરમેષ્ઠિ નમસ્કારમંત્રથી વાસિત અંતઃકરણવાળો બને છે ત્યારે તે પોતાની વર્તમાન ભૂમિકાથી ઊંચો જ આવે છે. એટલે ધારો કે તે ચોથા વર્ગમાં હોય તો પાંચમા વર્ગમાં આવે. પાંચમા વર્ગમાં હોય છઠ્ઠા વર્ગમાં આવે, સાતમા વર્ગમાં હોય તો આઠમા વર્ગમાં આવે. પંદરમાં વર્ગમાં હોય તો સોળમાં આવે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે ગમે તે સ્થાને બેઠો હોય ત્યાંથી તે ભાવપૂર્વકના પરમેષ્ઠિ નમસ્કારના પ્રભાવે ઊંચો જ આવે છે. નમસ્કારભાવ અંતઃકરણમાં પ્રગટવાથી જે જે ગુણો પોતામાં અપ્રગટ હોય છે તેને પ્રગટ થવાની તક મળે છે.
જેમ કોઠીમાં અનાજ પડ્યું હોય તો તેમાં અંકુરા પ્રગટી શકતા નથી. કારણ કે અંકુરા પ્રગટ કરવાની ત્યાં સામગ્રી તેને મળતી નથી. પણ એ જ અનાજને ખેડૂત ખેતરમાં વાવે છે અને પછી તેને વરસાદ, ખેડ, ખાતર, હવા અને પ્રકાશાદિની સામગ્રી મળે છે ત્યારે એક નાનકડા બીજમાંથી મોટું વૃક્ષ બની તે ઘણાં ફળોને આપનારું બને છે. તેવી જ રીતે આપણા અંતઃકરણમાં પણ સદ્ગુણોના ઘણા બીજ પડેલા છે. કિંતુ પ્રગટ થવાની સામગ્રી જ્યાં સુધી મળતી નથી ત્યાં સુધી તે પ્રગટ થઈ શકતા નથી. પરંતુ જ્યારે આપણા અંતઃકરણમાં પરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે હાર્દિક સદ્ભાવ, નિર્મળ પ્રેમ અને ભાવપૂર્વકની ભક્તિ જાગે છે ત્યારે આપણું અંતઃકરણ પોચું પડે છે. નરમ પડે છે અને તેથી તે સદ્ગુણોને બહાર પ્રગટ થવાની તક મળે છે.
આ રીતે પરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરનારા આત્મા પોતામાં ગુપ્તપણે રહેલા સદ્ગુણોને બહાર પ્રગટ થવાની એક ઉત્તમ તક પૂરી પાડે છે.
બીજમાંથી અંકુરા નીકળ્યા પછી જ તેમાં પાંદડાં, ડાળખાં, ફૂલ, ફળ વગેરે પણ ક્રમસર પ્રગટ થાય છે. તેમ પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરનાર આત્મા પણ આરાધનાનું અંતિમ ફળ મોક્ષ-અર્થાત્ સર્વ બંધનોનો જેમાં અભાવ છે, જેમાં કર્મની લેશ પણ પરતંત્રતા નથી અને સચ્ચિદાનંદ સ્વરૂપ કે, જેમાં એકલું આત્માના ઘરનું સુખ, સુખ અને સુખ જ છે તે મોક્ષદા પ્રાપ્ત થવા રૂપ ફળને પ્રાપ્ત કરે છે.