________________
પરિશિષ્ટ
જપ-સાધના શ્રી નમસ્કાર મહામંત્રના જાપ અંગે ઉપયોગી માર્ગદર્શન.
લેખક-સંગ્રાહક પરમપૂજ્ય અધ્યાત્યોગી, નમસ્કાર મહામંત્રના અનુપમ આરાધક, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં
માર્ગદર્શન મુજબ તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય, આચાર્ય દેવ શ્રીમદ્વિજય
કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા (પરમોપકારી શ્રાદ્ધવિધિના કર્તા આચાર્યદેવ શ્રીમદ્વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રંથમાં નમસ્કારમંત્રના જાપ અંગે નામ નિર્દેશ કરવાપૂર્વક નમસ્કાર મહામંત્રનાં સ્મરણ માટે સુચન કરેલ. તે વાંચતાં થયું કે આરાધનાનાં ઇચ્છુક જીજ્ઞાસુ આત્માઓને જાપ અંગે પ્રેકટીકલ માર્ગદર્શન મળે તો આગળ વિકાસ સાધી શકે, તે આશયથી અમારા ગુરુમહારાજે ઘણા વર્ષો પૂર્વે લખેલ તે અહિં પ્રસ્તુત છે.)
- સંપાદક પ્રવેશ
કોઈપણ બુદ્ધિમાન મનુષ્ય કંઈપણ શુભ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને તે કાર્ય અંગે સ્વાભાવિક રીતે કંઈક જાણવાની ઇચ્છા થાય છે. આવી જિજ્ઞાસા એ જ્ઞાનપ્રાપ્તિનું પ્રથમ વાર છે. મનુષ્યને તે દ્વારા ઘણું નવું જાણવાનું મળે છે. આ જિજ્ઞાસામાં જ્યારે હાર્દિક નમ્રતા ભળે છે ત્યારે તેવો સુપાત્ર આત્મા બુદ્ધિથી પણ અગમ્ય એવા અલૌકિક તત્ત્વોને પણ સમજવા સમર્થ બને છે. દેવી સંપત્તિની બધી બાબતો માત્ર બુદ્ધિથી જ સમજી શકાતી નથી. તેને માટે તો ઉચ્ચ તત્ત્વો પ્રત્યે સમર્પિત થવાની જરૂર પડે છે. તે કાર્ય નમ્રતાપૂર્વકની જિજ્ઞાસા દ્વારા સફળ બની શકે છે.
સદ્ભાગ્યે આજે શ્રી નમસ્કાર મહામંત્રના જાપને અંગે કેટલાક સુપાત્ર જીવોને વિશેષ વિશેષ જાણવાની અને નવકારને વિશેષ પ્રકારે આરાધવાની ભાવના થઈ રહી છે. અને તે માટે તેઓ નમ્રતાપૂર્વક જાણવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. આજના યુગમાં આ વસ્તુને એક મહાન શુભોદયનું ચિહ્ન ગણી શકાય. એવા જિજ્ઞાસુ ભાઈઓની નમ્રતાપૂર્વકની માંગણીથી અહીં શ્રી નમસ્કાર મહામંત્રના જપ અંગેનો આ નિબંધ રજૂ કરવામાં આવે છે.