________________
૩૬૬
પરિશિષ્ટ વધતો જ રહે છે. જીવરૂપી હંસને જો પરમેષ્ઠિનમસ્કારરૂપી સુશોભિત કમલની શ્રેણિમાં લીન બનાવવામાં આવે તો એને અનુપમ વિશ્રાંતિ મળી શકે છે.
મહાજ્ઞાનીઓ પણ આત્માની સાચી વિશ્રાંતિ માટે આ મંત્રનું જ ધ્યાન ધરે છે. આ મંત્રના ધ્યાનમાં જીવ પરોવાઈ જાય તો એને ચારે બાજુથી વિશ્રાંતિ આપોઆપ આવીને મળે છે.
નમસ્કાર મહામંત્રની જેના હૃદયમાં બરાબર પ્રતિષ્ઠા થઈ જાય છે તેનાં દુઃખના દિવસો અસ્ત પામે છે અને સુખનો સૂર્યોદય સર્વ કલાઓથી ખીલી ઊઠે છે. આ દુઃખમય સંસાર પણ તેના માટે સુખમય બની જાય છે. જ્યાં જ્યાં તેની નજર પડે છે ત્યાં ત્યાં શ્રી નમસ્કાર મંત્રમાં પ્રથમપદે બિરાજમાન શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું એકછત્રીય સામ્રાજ્ય તેને દેખાય છે અને સર્વત્ર અરિહંત પરમાત્માની અનંત કરુણા વિલસી રહી છે એવી તેને પ્રતીતિ થાય છે. નમસ્કાર સદા જયવંત રહો!
આ રીતે નવકારના ગુણો અપાર છે અને તેથી જ વિવેકી આત્માઓ પ્રતિદિન આ નવકારનું આદરપૂર્વક આરાધન કરે છે. આ અસાર સંસારમાં નવકારમંત્ર એ જ એક સારભૂત વસ્તુ છે. આ ઇષ્ટ નમસ્કૃતિ સદા જયવંતી રહો ! અને સૌ કોઈ આદરપૂર્વક નવકારની આરાધના કરીને શાશ્વત સુખને પ્રાપ્ત કરો.
| શિવમસ્તુ સર્વનતિઃ