Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 389
________________ પુણ્યરૂપી અંગને પવિત્ર રાખનાર નમસ્કાર છે. ૩૬૫ કાર્ય પણ માતા જ કરે છે. અહીં પણ નમસ્કારરૂપી માતા જેમ પુણ્યરૂપી શરીરને જન્મ આપે છે અને તેનું પાલનપોષણ કરે છે તેમ તેને પવિત્ર રાખવાનું કાર્ય પણ તે જ કરે છે. પુણ્યરૂપી અંગને પવિત્ર રાખવાનો અર્થ એ છે કે પુણ્યાનુબંધી પુણ્યને તે સાનુબંધ કરે છે તેમાં પૌદ્ગલિક આશંસાદિ દોષરૂપી મલિનતા ન ભળે તેની કાળજી રાખે છે. ઉત્તરોત્તર વધુ ને વધુ કુશલાનુબંધી બનાવી જીવની અધિક અધિક શુદ્ધિ કરે છે અને શુદ્ધિની પરાકાષ્ઠાએ અર્થાત્ મોક્ષપદ સુધી પહોંચાડે છે. કુશલાનુબંધી પુણ્યનો સ્વભાવ જ એવો છે કે તે ઉત્તરોત્તર અધિક અધિક વિકાસમાં સહાયક બને. જીવમાં લૌકિક કીર્તિ આદિની આશંસા અથવા પ્રાપ્ત ગુણસ્થાનકો પ્રત્યે આસંગાદિ દોષો આવી જવાનો સંભવ છે. તેને દૂર કરી આત્મવિકાસની પરાકાષ્ઠાએ પહોંચાડે છે, જીવની સંપૂર્ણ શુદ્ધિ કરે છે. નમસ્કારરુચિ માતાની એ જ વિશેષતા છે કે તે પુણ્યરૂપી અંગનું એવું પાલનપોષણ અને શોધન કરે છે કે તેના પરિણામે જીવની શુદ્ધિ આપોઆપ થઈ જાય છે. જંગલમાં વસતા ભીલ-ભીલડીનો વિકાસ નમસ્કારના આરંભથી થયો હતો. તેવી જ રીતે સુદર્શન શેઠના જીવનો પણ સુભગના ભવમાં નમસ્કાર મહામંત્રના સ્મરણથી વિકાસ શરૂ થયો હતો. તેમજ રાજકુમારી સુદર્શનાનો પૂર્વભવમાં નવકાર સ્મરણથી વિકાસ થયો હતો. તેના પરિણામે બીજા જ ભવમાં મહાપુરુષોને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું અદ્ભુત જીવન તેમનું શાસ્ત્રમાં ગવાયું છે. અર્થાત્ તેમનો તે વિકાસ ઉત્તરોત્તર અધિકાધિક વિકાસમાં પરિણમ્યો હતો. જીવરૂપી હંસને વિશ્રાન્તિનું સ્થાન નમસ્કાર છે. નમસ્કાર એ જીવરૂપી હંસને વિશ્રાંતિ માટે કમલની શોભા સમાન છે. સંસારમાં જીવને ક્યાંય વિશ્રાંતિ નથી. કષાયરૂપી તાપથી આ જીવ સતત તપી રહ્યો છે. કર્મરૂપી મેલથી ખરડાઈ રહ્યો છે, તૃષ્ણારૂપી તૃષાથી તૃષાતુર બની રહ્યો છે. આવી દશામાં શાન્તિ ક્યાંથી હોય ? ઊલટી દિશામાં દોડી દોડીને જીવ થાકી ગયો છે. વિશ્રાંતિ માટે જ્યાં જ્યાં દોડે છે ત્યાં ક્યાંય તેને સાચો વિસામો મળતો નથી. જગતમાં વિસામા અનેક પ્રકારના ગણાય છે. લોભીને ધન પ્રાપ્તિ વિસામો લાગે છે, કામીને રાગનાં સાધનો વિસામારૂપ લાગે છે, રોગીને આરોગ્યની પ્રાપ્તિ વિસામો લાગે છે, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી વિસામો લાગે છે, ત્યારે ભાર ઉપાડનારને ભાર દૂર થાય એ વિસામો લાગે છે. આ બધા વિસામા શાશ્વત વિસામા નથી. માત્ર દુઃખના ક્ષણિક પ્રતિકારો છે. ખરેખરો અને છેલ્લો વિસામો ભાવનમસ્કારની પ્રાપ્તિ થવી તે છે. તે સિવાયના વિસામા થોડીવાર કામચલાઉ વિશ્રાંતિ ભલે આપે પણ પરિણામે જીવના થાકને ઊલટા વધારી દે છે. તે વિસામો સાચો વિસામો ગણાય કે જેની પ્રાપ્તિ થયા પછી જીવમાં વિશ્રાંતિ ઉત્તરોત્તર વધતી રહે. આવો વિસામો નમસ્કારની પ્રાપ્તિથી મળે છે. નમસ્કારની પ્રાપ્તિથી જીવનું ભાવદારિદ્રચ ટળી જાય છે. કિનારે આવેલા વહાણના જેવી સ્થિતિએ તે પહોંચે છે. તેથી તેનો આંતરિક આનંદ

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394