________________
પરિશિષ્ટ
૩૬૪
પુત્રનું પાલન કરે છે. ઉપરાંત તેમાં બીજી એક વિશેષતા એ છે કે એને કદી એવો વિચાર પણ આવતો નથી કે હું કંઈ ઉપકાર કરું છું. કદાચિત્ત પુત્ર અયોગ્ય નીવડે તોપણ માતા પોતાના હૃદયમાં પુત્રના અવગુણને સ્થાન આપતી નથી. ઊલટું તેની ઉન્નતિ કેમ થાય તે અંગેની અહર્નિશ ચિંતા કરે છે. આ હૃદય માતાને જ વર્યું હોય છે અને તેથી જ નીતિમાં-માર્ગાનુસારીના ગુણોમાં, વડીલ વર્ગની ગણતરીમાં માતાને સૌથી પ્રથમ ગણવામાં આવી છે.
માતાની આ બધી વિશેષતાઓ જગતને માન્ય છે. તેથી જેના દિલમાં જે વસ્તુની મહત્તા અંકાઈ ગઈ હોય તેને તે પ્રસિદ્ધ દેષ્ટાંત દ્વારા ઉપદેશ આપવાથી અલ્પ પ્રયાસે અપ્રસિદ્ધ વસ્તુ પણ સમજાવી શકાય છે. માટે અહીં નમસ્કારને માતા કહેવામાં પૂર્વ પુરુષોએ એ રીતિને અખત્યાર કરી છે.
નમસ્કારરૂપી માતા માત્ર પુણ્યાનુબંધી શરીરને જન્મ આપે છે એટલું જ નહિ પણ પુણ્યશરીરનું પાલનપોષણ પણ તે જ કરે છે. ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થયા પછી તેનો સદુપયોગ કરવો એ જ એની પુષ્ટિ છે. નમસ્કારથી જે પુણ્ય બંધાય છે તે કુશલાનુબંધી હોય છે. નમસ્કારથી ઉત્તરોત્તર તે પુષ્ટ બનતું જાય છે અને પૂર્ણ વિકાસમાં પણ નમસ્કારથી જ પરિણમે છે.
નમસ્કારની રુચિ વિના પણ કદાચ ઊંચું પદ મળી જાય પણ તે પરિણામે લાભકારક બનતું નથી. કારણ કે નમસ્કારની રુચિ વિના બંધાયેલું પુણ્ય વિપાક કાળે જીવને ભાનભૂલો બનાવી વધારે અંધકારમાં ધકેલી દે છે. નમસ્કારની રુચિપૂર્વકનો જે વિકાસ થાય છે તે જ પરિણામે હિતકારક બને છે. નમસ્કાર વસ્તુને મેળવી પણ આપે છે અને તેનો સદુપયોગ પણ કરાવે છે. માટે તે કુશલાનુબંધી પુણ્ય કહેવાય છે. આ કુશલાનુબંધી પુણ્યની સહાય વિના જેમ ઉત્તમ પ્રકારની સામગ્રીનો યોગ સુલભ નથી તેમ તેની સહાયતા વિના ઉત્તમ સામગ્રીનો સદુપયોગ પણ શક્ય નથી.
આત્મવિકાસના ઇચ્છુક કોઈપણ ભવ્યઆત્માઓને નમસ્કારથી પ્રાપ્ત થનાર કુશલાનુબંધી પુણ્યની સહાય વિના ચાલી શક્યું નથી અને ચાલી શકવાનું પણ નથી. ચોર અને શ્વાપદ આદિથી ભરપૂર ભયંકર અટવીમાં સમર્થ વળાવો જેમ અટવીનું ઉલ્લંઘન કરાવી ઇચ્છિત સ્થાને પહોંચાડે છે તેમ પુણ્યાનુબંધી પુણ્યરૂપી વળાવો પણ રાગદ્વેષ આદિ દોષોરૂપી ચોર અને શ્વાપદોથી ભરપૂર ભયંકર એવી ભવઅટવીનું ઉલ્લંઘન કરાવી ઇચ્છિત સ્થાનમાં મોક્ષનગરમાં પહોંચાડવામાં પૂર્ણ સહાય કરે છે.
જેમ નિસરણીની સહાય વિના મોટા મહેલ ઉપર ચડી શકાતું નથી તેમ પુણ્યાનુબંધી પુણ્યની સહાય વિના અપ્રમત્તાદિ ઉચ્ચ ગુણસ્થાનકો સુધી પહોંચી શકાતું નથી. આ બધાનું પણ મૂળ નમસ્કાર હોવાથી નમસ્કારને અહીં પુણ્યરૂપી શરીરને જન્મ આપનારી અને પોષણ કરનારી માતા તરીકે કહેવામાં આવેલ છે. આ તત્ત્વને જાણ્યા પછી નમસ્કાર પ્રત્યે અધિક આદર પ્રગટે એ સહજ છે. પુણ્યરૂપી અંગને પવિત્ર રાખનાર નમસ્કાર છે.
માતા પુત્રને જન્મ આપે છે અને પુત્રનું પાલનપોષણ કરે છે તેમ પુત્રને સ્વચ્છ રાખવાનું