________________
૧૮૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ લગાડવો, ત્રીજો ભાગ ધર્મકૃત્યમાં તથા પોતાના ઉપભોગમાં લગાડવો અને ચોથો ચતુર્થ ભાગ કુટુંબના પોષણને અર્થે ખરચવો.
કેટલાક એમ કહે છે કે પ્રાપ્તિનો અર્થો અથવા તે કરતાં પણ અધિક ભાગ ધર્મકૃત્યમાં વાપરવો અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સર્વ કાર્યો કરવાં. કારણ કે એક ધર્મ વિના બાકીનાં કાર્યો નકામાં છે.
કેટલાક લોકો કહે છે કે ઉપર આપેલા બે વચનોમાં પહેલું વચન ગરીબ ગૃહસ્થને તથા બીજું ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે એમ સમજવું. તથા જીવિત અને લક્ષ્મી કોને વલ્લભ નથી ? પણ અવસર આવે પુરુષો તે બન્નેને તણખલા કરતાં પણ હલકાં ગણે છે.
૧ યશનો ફેલાવો કરવો હોય, ૨ મિત્રતા કરવી હોય, ૩ પોતાની પ્રિય સ્ત્રીને માટે કાંઈ કરવું હોય, ૪ પોતાના નિધન બાંધવોને સહાય કરવી હોય, ૫ ધર્મકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કરવો હોય, ૭ શત્રુનો ક્ષય કરવો હોય અથવા ૮ કાંઈ સંકટ આવ્યું હોય તો ડાહ્યા પુરુષો (આ આઠ કૃત્યોમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરુષ એક કાંકિણી (પૈસાનો ચોથો ભાગ) પણ ખોટે માર્ગે જાય તો એક હજાર સોનૈયા ગયા એમ સમજે છે, તે જ પુરુષ યોગ્ય અવસર આવે જો ક્રોડો ધનનું છૂટા હાથથી ખરચ કરે તો લક્ષ્મી તેને કોઈ વખતે છોડે નહીં. આ વિષય ઉપર એક દૃષ્ટાંત નીચે પ્રમાણે છે :નવી વહુનું દૃષ્ટાંત.
એક શેઠના પુત્રની વહુ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પોતાના સસરાને દીવામાંથી નીચે પડેલા તેલના છાંટા વડે પગરખાને ચોપડતાં જોયો. તે જોઈને તે મનમાં વિચારવા લાગી કે, “મારા સસરાની એ કૃપણતા છે કે ઘણી કરકસર છે?” એવો સંશય આવ્યાથી તેણે સસરાની પરીક્ષા કરવાનું ધાર્યું. એક દિવસે “મારું માથું દુઃખે છે.” એવા બહાનાથી તે સૂઈ રહી અને ઘણી ઘણી બૂમો પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા ત્યારે તેણે કહ્યું, “મને પહેલાં પણ કોઈ વખતે આવો દુઃખાવો થતો હતો ત્યારે ઊંચા મોતીના ચૂર્ણના લેપથી તે મટતો.” તે સાંભળીને સસરાને ઘણો હર્ષ થયો. તેણે તરત ઊંચા મોતી મંગાવી વાટવાની તૈયારી કરી, એટલામાં વહુએ જે ખરી વાત હતી તે કહી.
ધર્મકૃત્યમાં ખરચ કરવું એ એક લક્ષ્મીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથી જ તે સ્થિર થાય છે. કહ્યું છે કે દાનથી ધનનો નાશ થાય છે, એમ તું કોઈ કાળે સમજીશ નહીં. જુઓ કૂવા, બગીચા, ગાય વગેરે જેમ જેમ દેતા જાય છે તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે. વિદ્યાપતિનું દષ્ટાંત.
વિદ્યાપતિ નામે એક શ્રેષ્ઠી ઘણો ધનવાન હતો. લક્ષ્મીએ સ્વપ્રમાં આવી તેને કહ્યું કે, “હું આજથી દશમે દિવસે તારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રીના કહેવાથી સર્વે ધન તે જ દિવસે ધર્મના સાત ક્ષેત્રોમાં વાપર્યું અને તે ગુરુ પાસેથી પરિગ્રહનું પ્રમાણ કરીને