________________
૨૩૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ભોજન કરી રહ્યા પછી પાછો સૂર્યનો ઉદય થાય ત્યાં સુધીનું ચઉવિહાર તિવિહાર-અથવા દુવિહાર દિવસચરિમ પચ્ચખાણ કરે. એ પચ્ચકખાણ મુખ્ય ભાગે દિવસ છતાં જ કરવું જોઈએ. પણ બીજે ભાંગે રાત્રિએ કરે તો પણ ચાલે એમ છે.
પ્રશ્ન :- દિવસચરિમ પચ્ચકખાણ નિષ્ફળ છે, કારણ કે એકાશન વગેરે પચ્ચકખાણોમાં તે સમાઈ જાય છે.
ઉત્તર :- એમ નહીં. એકાશન વગેરે પચ્ચખાણના આઠ ઇત્યાદિ આગાર છે. અને દિવસચરિમના ચાર આગાર છે, માટે આગારનો સંક્ષેપ એ જ દિવસચરિમમાં મુખ્ય છે. તેથી તે સફળ છે, દિવસ બાકી છતાં કરવાનું છે, તથા રાત્રિભોજનના પચ્ચકખાણને યાદ કરાવનારૂં છે, રાત્રિભોજનના પચ્ચકખાણવાળાને પણ તે ફળદાયી છે. એમ આવશ્યક લઘુવૃત્તિમાં કહ્યું છે. એ પચ્ચકખાણ સુખે કરાય એવું તથા બહુ ફળદાયી છે. એના ઉપર નીચે પ્રમાણે એક દષ્ટાંત છે. એડકાક્ષનું દષ્ટાંત. 1. દશાર્ણનગરમાં એક શ્રાવિકા સાંજે ભોજન કરીને પ્રતિદિન દિવસચરિમ પચ્ચકખાણ કરતી હતી. તેનો ભર્તાર મિથ્યાષ્ટિ હતો. તે “સંધ્યાએ જમ્યા પછી રાત્રિએ કોઈ કાંઈ ભક્ષણ કરતું નથી જ માટે એ (દિવસચરિમ) મોટું પચ્ચકખાણ કરે છે.” એવી રીતે શ્રાવિકાની હંમેશાં હાંસી કરતો હતો.
એક દિવસ શ્રાવિકાએ “તું ભાંગીશ” એમ કહીને ઘણી ના પાડી તો પણ તેણે દિવસચરિમ પચ્ચખાણ કર્યું. રાત્રિએ સમ્યગ્દષ્ટિ દેવી પરીક્ષા કરવા માટે તથા શિખામણ દેવા તેની બેનનું રૂપ ધારણ કરી તેને ઘેબર વગેરે આપવા લાગી. .
શ્રાવિકાએ ઘણો વાર્યો તો પણ જીભની લોલુપતાથી તેણે તે ખાવા માંડ્યું. એટલામાં દેવીએ પ્રહાર કર્યો કે જેથી તેના ડોળા બહાર નીકળી ભૂમિ ઉપર પડ્યાં.
મારો અપયશ થશે” એમ ધારી શ્રાવિકાએ કાઉસ્સગ્ન કર્યો. પછી શ્રાવિકાના કહેવાથી દેવીએ તત્કાળ કોઈ એક મરતા બોકડાનાં નેત્ર લાવી તે પુરુષને લગાડ્યાં, તેથી તેનું એડકાક્ષ એવું નામ પડ્યું. પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરુષ શ્રાવક થયો. લોકો કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા તેથી તે નગરનું પણ એડકાક્ષ નામ પડ્યું. તેને જોવાથી ઘણા લોકો શ્રાવક થયા.
આ રીતે દિવસચરિમ ઉપર એડકાક્ષનું દૃષ્ટાંત કહ્યું.
પછી સંધ્યા વખતે એટલે છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે સૂર્યબિંબનો અર્થો અસ્ત થતાં પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી. તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિ-વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણની શ્રાદ્ધવિધિકૌમુદી' ટીકામાં પ્રથમ દિનકૃત્ય
પ્રકાશ સંપૂર્ણ થયો.