________________
૩૦૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ વીતભયપત્તનમાં લઈ જા અને ત્યાંના ચૌટામાં “દેવાધિદેવની પ્રતિમા લ્યો.” એવી ઉદ્ઘોષણા કર. ખલાસીએ તે પ્રમાણે કર્યું ત્યારે તાપસનો ભક્ત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણા દર્શનીઓ પોતપોતાના દેવનું સ્મરણ કરી તે ડાબડા ઉપર કુહાડાવડે પ્રહાર કરવા લાગ્યા અને કુહાડા ભાંગી ગયા પણ ડાબડો ઉઘડ્યો નહિ. તેથી સર્વેલોકો ઉદ્વિગ્ન થયા. બપોરનો અવસર પણ થઈ ગયો. એટલામાં પ્રભાવતી રાણીએ રાજાને ભોજન કરવા બોલાવવા માટે એક દાસી મોકલી. તે જ દાસીને હાથે સંદેશો મોકલી રાજાએ પ્રભાવતીને કૌતુક જોવા તેડાવી.
પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે “આ ડાબડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે પણ બીજા કોઈ નથી. હમણાં કૌતુક જુવો.” એમ કહી રાણીએ યક્ષકઈમવડે ડાબડા ઉપર અભિષેક કર્યો અને પુષ્પની એક અંજલી મૂકીને કહ્યું કે, “દેવાધિદેવ મને દર્શન આપો” એમ કહેતાં જ પ્રભાતસમયમાં જેમ કમળકલિકા પોતાની મેળે ખીલે છે તેમ ડાબડો પોતાની મેળે ઉઘડી ગયો ! નહિ સુકાઈ ગયેલાં ફૂલની માળાવાળી પ્રતિમા અંદરથી બહાર દેખાઈ અને જૈનધર્મની ઘણી ઉન્નતિ થઈ. પછી વહાણવટીનો સત્કાર કરી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પોતાના અંતઃપુરમાં લઈ ગયાં અને પોતે નવા બંધાવેલા ચૈત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી.
એક વખતે રાણીના આગ્રહથી રાજા વિણા વગાડતો હતો અને રાણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું. તેથી રાજા ગભરાઈ ગયો અને વીણા વગાડવાની કંબિકા તેના હાથમાંથી નીચે પડી ગઈ. નૃત્યમાં રસભંગ થવાથી રાણી કોપાયમાન થઈ ત્યારે રાજાએ યથાર્થ જે હતું તે કહ્યું. એક વખતે દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું અને ક્રોધથી દર્પણવડે દાસીને પ્રહાર કર્યો તેથી તે (દાસી) મરણને શરણ થઈ.
પછી તે વસ્ત્ર પ્રભાવતીએ જોયું તો સફેદ જ દેખાયું, તે દુર્નિમિત્તથી તથા નૃત્ય કરતાં રાજાને માથા વિનાનું શરીર દેખાયું તેથી પોતાનું આયુષ્ય થોડું રહ્યું એવો રાણીએ નિશ્ચય કર્યો, અને સ્ત્રીહત્યાથી પહેલા પ્રાણાતિપાતવિરમણવ્રતનો ભંગ થયો તેથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા માટે રાજા સમીપ ગઈ. રાજાએ “દેવતાના ભવમાં તું મને સમ્યક પ્રકારે ધર્મમાં પ્રવર્તાવજે” એમ કહી આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજાને માટે દેવદત્તા નામની કુબ્બાને રાખીને પોતે ઘણા ઉત્સવસહિત દીક્ષા લીધી અને તે અનશનવડે કાળ કરી સૌધર્મ દેવલોકે દેવતા થઈ.
પછી પ્રભાવતીના જીવ દેવતાએ ઘણો બોધ કર્યો તો પણ ઉદાયન રાજા તાપસની ભક્તિ ન મૂકે. દૃષ્ટિરાગ તોડવો એ કેટલો મુશ્કેલ છે ! હશે, પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃતફળ આપ્યું. તેનો રસ ચાખતાં જ લુબ્ધ થયેલા રાજાને તાપસરૂપી દેવતા પોતે વિદુર્વેલા આશ્રમમાં લઈ ગયો. ત્યાં વેષધારી તાપસોએ ઘણી તાડના કરવાથી તે (રાજા) નાઠો, તે જૈનસાધુઓના ઉપાશ્રયે આવ્યો. સાધુઓએ અભયદાન આપ્યું તેથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી દેવતા પોતાની ઋદ્ધિ દેખાડી, રાજાને જૈનધર્મને વિષે દઢ કરી, “આપદા આવે મને યાદ કરજે” એમ કહી અદશ્ય થયો.