________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ -
પંચમ પ્રકાશ
૨૮૨
સ્ત્રીઓ પોતાના શીયળના પ્રભાવથી અગ્નિને જળ સમાન, જળને સ્થળ સમાન, ગજને શિયાળીયા સમાન, સર્પને દોરડી સમાન અને ઝેરને અમૃત સમાન કરે છે. તેમજ ચતુર્વિધ શ્રીસંઘનું ચોથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણી નિંદા સંભળાય છે તે પુરુષોએ તેમના ઉપર આસક્તિ ન કરવી એવા ઉપદેશ માટે જ છે.
સુલસા વગેરે શ્રાવિકાઓના ગુણોની તો તીર્થંકરોએ પણ ઘણી પ્રશંસા કરી છે. તેમની ધર્મ વિષે રહેલી દઢતા ઇન્દ્રોએ પણ સ્વર્ગમાં વખાણી છે અને જબરા મિથ્યાત્વીઓ પણ એમને સમ્યક્ત્વથી ચળાવી શક્યા નિહ. તેમજ કેટલીક શ્રાવિકાઓ ચરમ દેહવાળી તથા કેટલીક બે ત્રણ ભવ કરીને મોક્ષે જનારી શાસ્ત્રમાં સંભળાય છે. માટે માતાની માફક, બહેનની માફક તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું ઘટિત જ છે. આ વિષય ઉપર અત્રે વધુ વિસ્તારની જરૂર જણાતી નથી.
દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત.
સાધર્મિકવાત્સલ્ય કરીને રાજાઓ પોતાનું અતિથિસંવિભાગ વ્રત સાચવે છે. કેમકે મુનિઓને રાજપિંડ કલ્પતો નથી. આ વિષય ઉપર ભરતના વંશમાં થયેલા ત્રણે ખંડના અધિપતિ દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત કહે છે.
દંડવીર્ય રાજા હંમેશાં સાધર્મિક ભાઈને જમાડી પછી જ પોતે ભોજન કરતો હતો. એક વખતે ઇન્દ્રે મનમાં તેની પરીક્ષા કરવાનું ધાર્યું. તેને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નોની સૂચક સુવર્ણની જનોઈ અને બાર વ્રતોના સૂચક બાર તિલકને ધારણ કરનારા તથા ભરતે રચેલા ચાર વેદનો મુખે પાઠ કરનારા એવા તીર્થયાત્રા કરતા આવેલા ક્રોડો શ્રાવક જણાયા. દંડવીર્ય તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે એટલામાં સૂર્ય આથમ્યો.
એ રીતે લાગટ આઠ દિવસ શ્રાવક પ્રકટ કર્યા તેથી રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેની સાધર્મિકભક્તિ તો તરૂણ પુરુષની શક્તિની માફક દિવસે દિવસે વધતી જ રહી. તેથી ઇન્દ્ર પ્રસન્ન થયો અને તેણે તેને દિવ્ય ધનુષ્ય, રથ, હાર તથા બે કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા તથા તીર્થોદ્ધાર માટે પ્રેરણા કરી, દંડવીર્યે પણ તે પ્રમાણે કર્યું. સંભવનાથ ભગવાન આદિના દૃષ્ટાંતો.
શ્રી સંભવનાથ ભગવાન પણ પૂર્વના ત્રીજા ભવમાં ધાતકીખંડમાં અંદર આવેલા ઐરવતક્ષેત્રની ક્ષેમાપુરીનગરીમાં વિમળવાહન નામે રાજા હતા ત્યારે તેમણે મોટા દુકાળમાં સર્વે સાધર્મિક ભાઈઓને ભોજનાદિ આપીને જિનનામકર્મ બાંધ્યું પછી દીક્ષા લઈ દેહપાત થયો અને આનતદેવલોકમાં દેવતાપણું ભોગવી શ્રી સંભવનાથ તીર્થંકર થયા. તેઓ ફાગણ સુદિ આઠમને દિવસે અવતર્યા ત્યારે મોટો દુકાળ છતાં તે જ દિવસે ચારે તરફથી સર્વ જાતનું ધાન્ય આવી પહોંચ્યું અને સુકાળ થયો તેથી તેમનું સંભવ એવું નામ પાડ્યું.
બૃહદ્ભાષ્યમાં કહ્યું છે કે શું શબ્દનો અર્થ સુખ કહેવાય છે. ભગવાનના દર્શનથી સર્વે ભવ્ય જીવોને સુખ થાય છે માટે તેમને સંભવ કહે છે. આ વ્યાખ્યાનને અનુસરીને સર્વે તીર્થંકરો સંભવ નામથી ઓળખાય છે. સંભવનાથજીને સંભવ નામથી ઓળખવાનું બીજું પણ એક કારણ છે.