________________
શ્રાવકનું સંધ્યા કૃત્ય.
૨૩૭
હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ. ભોજન કરી રહ્યા પછી દિવસચરમ અથવા ગ્રંથિ સહિત પ્રમુખ પચ્ચક્ખાણ ગુરુ પ્રમુખને બે વાંદણાં દઈને અથવા તે વિના ગ્રહણ કરવું અને ગીતાર્થ મુનિરાજ પાસે, ગીતાર્થ એવા શ્રાવક, સિદ્ધપુત્ર વગેરેની પાસે યોગ હોય તેમ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો.
સ્વાધ્યાય.
૧. વાચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તના, ૪. ધર્મકથા અને ૫. અનુપ્રેક્ષા એ સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તેમાં નિર્જરાને માટે યથાયોગ્ય સૂત્ર વગેરેનું દાન કરવું અથવા ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. વાચનામાં કંઈ સંશય રહ્યા હોય તે ગુરુને પૂછવા તે પૃચ્છના કહેવાય છે. પૂર્વે ભણેલા સૂત્રાદિને ભૂલી ન જવાય તે માટે વારંવાર ફેરવવું તે પરાવર્તના કહેવાય છે. જંબૂસ્વામી વગરે સ્થવિરોની કથા સાંભળવી અથવા કહેવી તે ધર્મકથા કહેવાય છે. મનમાં જ સૂત્રાદિનું વારંવાર સ્મરણ કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે.
અહીં ગુરુમુખથી સાંભળેલા શાસ્ત્રાર્થના જાણ પુરુષો પાસે વિચાર કરવા રૂપ સજ્ઝાય વિશેષ કૃત્ય તરીકે જાણવી. કારણ કે “તે તે વિષયના જાણ પુરુષોની સાથે શાસ્ત્રાર્થના રહસ્યની વાતોનો વિચાર કરવો.' એવું શ્રી યોગશાસ્ત્રનું વચન છે. એ સજ્ઝાય ઘણી ગુણકારી છે. કહ્યું છે કે સજ્ઝાયથી શ્રેષ્ઠ ધ્યાન થાય છે. સર્વે પરમાર્થનું જ્ઞાન થાય છે, તથા સજ્ઝાયમાં રહેલો પુરુષ ક્ષણે ક્ષણે વૈરાગ્ય દશા મેળવે છે. પાંચ પ્રકારની સજ્ઝાય ઉપર દૃષ્ટાંત વગેરેનું વિવરણ આચારપ્રદીપ ગ્રંથમાં કર્યું છે તેથી અત્રે તે કહેલ નથી. આ રીતે આઠમી ગાથાનો અર્થ પૂરો થયો. (૮)
શ્રાવકનું સંધ્યા કૃત્ય.
संझाइ जिणं पुणरवि, पूयइ पडिक्कमइ तह विहिणा । विस्समणं सज्झायं, गिहं गओ तो कहइ धम्मं ॥ ९ ॥
सन्ध्यायां जिनं पुनरपि पूजयति प्रतिक्रामति करोति तथा विधिना । विश्रमणं स्वाध्यायं गृहं गतो ततः कथयति धर्मम् ॥९॥
સંધ્યા વખતે ફરીથી અનુક્રમે જિનપૂજા, પ્રતિક્રમણ, તેમજ વિધિપૂર્વક મુનિરાજની સેવાભક્તિ અને સજ્ઝાય કરવી, પછી ઘેર જઈ સ્વજનોને ધર્મોપદેશ કરવો.
શ્રાવકે હંમેશાં એકાસણાં કરવાં એવો ઉત્સર્ગ માર્ગ છે. કહ્યું છે કે શ્રાવક ઉત્સર્ગ માર્ગે સચિત્ત વસ્તુને વર્જનારો, હંમેશાં એકાસણ કરનારો તેમજ બ્રહ્મચર્ય વ્રત પાળનારો હોય છે. પરંતુ જેનાથી દરરોજ એકાસણું થઈ ન-શકે એમ હોય તેણે દિવસના આઠમા ચોઘડીયામાં પહેલી બે ઘડીએ અર્થાત્ બે ઘડી દિવસ બાકી રહે ભોજન કરવું. છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે ભોજન કરે તો રાત્રિભોજનનો મહાદોષ લાગવાનો પ્રસંગ આવે છે. સૂર્ય અસ્ત થયા પછી રાત્રિએ મોડું ભોજન કરે તો ઘણા દોષ લાગે છે. તેનું દૃષ્ટાંત સહિત સ્વરૂપ મેં કરેલી અર્થદીપિકા ઉપરથી જાણવું.