________________
જંબુસ્વામીની કથા.
૨૫૫ વ્રત સ્વીકાર્યું અને પછી માત-પિતા પાસે આવ્યો. માતા-પિતાની આગળ દીક્ષા લેવાનો પોતાનો વિચાર જણાવ્યો. ઋષભદત્ત અને ધારિણી પુત્રના આ વચન સાંભળી મૂચ્છિત થયાં. થોડીવારે શાંતિ પામી તેમણે જંબૂકુમારને દીક્ષા એ કેટલી આકરી છે તે સમજાવ્યું. જંબૂકુમારે પણ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપ્યો. છેવટે માતા-પિતાએ મળી એટલી માગણી કરી કે “પુત્ર ! જે આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો છે તેની સાથે તું લગ્ન કર. લગ્ન પછી તારે દીક્ષા લેવી હોય તો સુખેથી બીજે દિવસે દીક્ષા લેજે.' આમ કહેવામાં તેઓની ધારણા હતી કે પરણ્યા પછી એ સ્ત્રીઓના પ્રેમમાં લપટાઈ આપોઆપ દીક્ષાનો વિચાર માંડી વાળશે. પરણ્યા પહેલાં કન્યાઓના માતા-પિતાને કહેવામાં આવ્યું કે પરણ્યા પછી તુર્ત જંબૂકુમાર દીક્ષા લેવાની ભાવના રાખે છે. કન્યાઓના માતપિતાએ આ ખબર કન્યાઓને આપી. તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું કે “તેમની ઇચ્છા હોય તે પ્રમાણે ભલે કરે. અમારાથી બનશે તો અમે સમજાવી તેમને દીક્ષા નહિ લેવા દઈએ અને આમ છતાં પણ અમારાથી નહિ સમજે તો તેમની સાથે અમે પણ દીક્ષા લઈશું.”
લગ્નોત્સવ ઉજવાયો. એક એક કન્યાના દાયકામાં નવ નવ ક્રોડ સોના મહોર જંબૂકુમારને આપવામાં આવી. આઠ ક્રાંડ સોના મહોર કન્યાઓના મોસાળ તરફથી મળી, એક ક્રોડ સોનામહોર જંબૂકમારને પોતાના મોસાળ તરફથી મળી. અને અઢાર ક્રોડ સોના મહોર પ્રમાણ મિલ્કત પોતાના પિતાની હતી. આમ નવ્વાણું કોડ સોના મહોરનો અધિપતિ જંબૂકુમાર થયો.
જંબૂકુમાર પ્રથમ રાત્રિએ આઠ વધૂઓ સાથે શયનગૃહમાં દાખલ થયો. સ્ત્રીઓએ ઘણા હાવભાવ કર્યા પણ જંબૂકુમાર સ્થિર રહ્યા. આ પ્રસંગે ચોરી કરવા પ્રભવ નામે ચોર પોતાના પાંચસો સાથીદારો સાથે દાખલ થયો. તેણે જંબૂકુમારના ઘરમાંથી ધન ઉપાડી જવા ગાંસડીઓ બાંધી પણ ઉઠાવી જાય તે પહેલાં તો જંબૂકુમારે ગણેલ નવકાના માહામ્યથી કોઈ દેવતાએ તેમને ખંભિત કર્યા અને તે આઠે સ્ત્રીઓ સાથેનો જંબૂકુમારનો વાર્તાલાપ સાંભળવામાં તલ્લીન બન્યો.
આ પછી તેણે જંબૂકુમારને કહ્યું “ભાગ્યશાળી ! હું તમારી ચોરી કરવા માગતો નથી પણ તમારી પાસે જે ખંભિત કરનારી વિદ્યા છે તે મને આપો અને હું મારી પાસે અવસ્થાપિની અને તાલોદ્ઘાટિની નામની જે બે વિદ્યા છે તે હું તમને આપું છું.' જવાબમાં જંબૂકુમારે કહ્યું “મેં તમને ખંભિત કર્યા નથી. મારે કોઈ વિદ્યાઓની જરૂર નથી. હું તો તૃણની માફક આ સર્વ ઋદ્ધિ અને ભોગોને તજી પ્રાતઃકાળે દીક્ષા ગ્રહણ કરવાનો છું. કારણ કે આ ભોગો મધુબિંદુ જેવા છે.” પ્રભવે કહ્યું “મધુબિન્દુનું દૃષ્ટાંત શું છે ?”
જંબૂકુમારે મધુબિન્દુનું દૃષ્ટાંત કહી તેને પ્રતિબોધ કર્યો અને તેમની પ્રથમ સ્ત્રી સમુદ્રશ્રીને તેણે આપેલ ખેડૂતના દૃષ્ટાંતનો પ્રત્યુત્તર કાગડાનું દૃષ્ટાંત આપી આપ્યો અને તેને પ્રતિબોધિત કરી. આ પછી પાશ્રી, પદ્યસેના, કનકસેના, નભસેના કનકશ્રી, રૂપશ્રી અને જયશ્રીએ અનુક્રમે વાનરદૃષ્ટાંત, નુપૂરપંડિતાનું દષ્ટાંત, કણબીનું દષ્ટાંત સિદ્ધિબુદ્ધિનું દષ્ટાંત, વિપ્રપુત્રનું દૃષ્ટાંત, માસાયંસ પક્ષીનું દષ્ટાંત, અને બ્રાહ્મણપુત્રીનું દૃષ્ટાંત કહ્યાં. આ દષ્ટાંતોનો પ્રત્યુત્તર જંબૂસ્વામિએ અનુક્રમે કઠીઆરાનું દષ્ટાંત, વિદ્યુમ્ભાલીની કથા, વાનર દષ્ટાંત, ઘોટકનું દૃષ્ટાંત, વિપ્રકથા, ત્રણ મિત્રનું દષ્ટાંત અને લલિતાંગકુમારનું દૃષ્ટાંત કહી આપ્યો. જેથી આઠે સ્ત્રીઓ પ્રતિબોધ પામી.