________________
૨૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપ ન થાય, ગુણ-દોષની પણ વાત ન થાય, તેને ઘેર જવું નહીં. હે અર્જુન ! વગર બોલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બોલે તથા ન આપેલા આસને પોતે જ બેસે તે પુરુષ અધમ જાણવો. અંગમાં કોપ નહીં છતાં કોપ કરે, નિર્ધન છતાં ધનને વાંછે, અને પોતે નિર્ગુણી છતાં ગુણીનો દ્વેષ કરે, એ ત્રણે પુરુષ જગતમાં લાકડી સમાન સમજવા. - માતાપિતાનું પોષણ ન કરનારો, ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનારો અને મૃત પુરુષનું શય્યાદાન લેનારો એ ત્રણે જણાને ફરીથી મનુષ્યનો અવતાર દુર્લભ છે કોઈ કાળે પાછી ન જાય એવી લક્ષ્મીની ઇચ્છા કરનાર પુરુષે પોતે બલિષ્ઠ પુરુષના સપાટામાં આવતાં નેતરની જેમ નમ્ર થવું. પણ સર્પની જેમ કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહેનાર પુરુષ, અવસર આવે અનુક્રમે ફરીથી મોટી લક્ષ્મી પેદા કરે છે, પણ સર્ષની જેમ ધસી જનાર માણસ કેવળ વધ પામવા યોગ્ય થાય છે.
બુદ્ધિશાળી પુરુષે અવસર આવે કાચબાની જેમ અંગોપાંગનો સંકોચ કરી, તાડનાઓ સહન કરવી અને તેવો અવસર આવે કાળા સાપની માફક ધસી જવું. એક સંપમાં રહેલા ગમે તેવા તુચ્છ લોકો હોય, તો પણ તેમને બલિષ્ઠ લોકો ઉપદ્રવ કરી શકતા નથી. જુઓ, સામો પવન હોય તો પણ એક જથ્થામાં રહેલી વેલડીઓને તે કાંઈપણ બાધા ઉત્પન્ન કરી શકતો નથી. વિદ્વાન પુરુષો શત્રુને એકવાર વધારીને તેનો તદ્દન નાશ કરે છે. કારણ કે પ્રથમ ગોળ ખાઈને સારી પેઠે વધારેલો કફ, સુખે બહાર કાઢી શકાય છે. જેમ સમુદ્ર વડવાનળને દરરોજ નિયમિત જળ આપે છે તેમ બુદ્ધિશાળી પુરુષો સર્વસ્વ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ-અલ્પ દાન કરીને પ્રસન્ન કરે છે.
લોકો પગમાં ભાંગેલા કાંટાને જેમ હાથમાંના કાંટાથી કાઢી નાખે છે, તેમ ડાહ્યો પુરુષ એક તીર્ણ શત્રુથી બીજા તીક્ષ્ણ શત્રુને જીતી શકે છે. જેમ અષ્ટાપદ પક્ષી મેઘનો શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પોતાનું અંગ ભાંગી નાખે છે, તેમ પોતાની તથા શત્રુની શક્તિનો વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુ ઉપર દોડે છે તે નાશ પામે છે. જેમ કાગડીએ સુવર્ણસૂત્રથી કૃષ્ણ સર્પને નીચે પાડ્યો, તેમ ડાહ્યા પુરુષે બળથી ન થઈ શકે એવું કાર્ય યુક્તિથી કરવું. નખવાળા અને શીંગડાવાળા જાનવરો, નદીઓ, શસ્ત્રધારી પુરુષો, સ્ત્રીઓ અને રાજાઓ એમનો વિશ્વાસ કોઈ કાળે કરવો નહીં. પશુ અને પંખીથી લેવાના ગુણો.
સિંહથી એક, બગલાથી એક, કૂકડાથી ચાર, કાગડાથી પાંચ, કૂતરાથી છ અને ગધેડાથી ત્રણ શિખામણો લેવી. સિંહ જેમ સર્વ શક્તિ વડે એક ફાળ મારી પોતાનું કામ સાધે છે, તેમ ડાહ્યા પુરુષે થોડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વશક્તિથી કરવું. સિંહની જેમ પરાક્રમ કરવું, બગલાની જેમ અર્થનો વિચાર કરવો. વરુની માફક લૂંટવું, અને સસલાની જેમ નાસી જવું. ૧. સૌના પહેલા ઉઠવું, ૨. લઢવું, ૩. બંધુવર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪. સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભોગવવી, એ ચાર શિખામણો કૂકડા પાસેથી લેવી.