________________
૨૨૫
રત્નસાર કુમારની કથા.
આ પછી પોપટે તાપસકુમારને પૂછયું ‘તાપસકુમાર ! તમારી નવયૌવન કાયા છે. સુકોમલ શરીર છે. ભાગ્યવાન લલાટ છે તો તમારે શા કારણે તાપસ વ્રત સ્વીકારવું પડ્યું ?’ તાપસકુમારને જવાબ આપતાં આંખમાં ઝળઝળીયાં આવ્યાં. કંઠ ભરાઈ ગયો, તે બોલ્યો જગતમાં પંડિત, શૂરવીર અને ધનાઢ્ય ઘણા માણસો વસે છે. પણ તમારા જેવા પારકા દુઃખે દુ:ખી થનાર તો કોઈક જ હોય છે.' આ વાત કરે છે તેટલામાં તો પવન ચઢી આવ્યો અને તેમાં રત્નસાર અને પોપટની દૃષ્ટિ બંધ કરી તે પવન તાપસકુમારને ઉપાડી ગયો. પોપટ અને રત્નસારને આમાં કાંઈ ખબર ન પડી. માત્ર ‘કુમાર ! મારૂં રક્ષણ કરો ! બચાવો બચાવો !' આ શબ્દ સિવાય તેમણે બીજું કાંઈ સાંભળ્યું નહિ.
રત્નસારે પવનના વંટોળમાં તાપસકુમારને શોધવા ઘણા ફાંફાં માર્યા પણ તે સર્વે નિષ્ફળ ગયાં. પોપટે કુમારને કહ્યું ‘કુમાર ! આ કોઈ દૈવી કરામત છે, આમાં આપણું ગજું નથી, પવન તાપસકુમારને કેઈ જોજન દૂર લઈ ગયો હશે.' આ પછી કુમાર તાપસકુમારની શોધ કરતો અટક્યો પણ તેના રટણથી ન અટક્યો એટલે ફરી પોપટે કહ્યું, ‘કુમાર ! માનો કે ન માનો ! મને તો તાપસકુમાર એ કોઈક કન્યા લાગે છે. કારણ કે તેનું વૃત્તાંત પૂછતાં તેણે આંખમાંથી આંસુ કાઢ્યાં હતાં. અને આંસુ કાઢવાં તે સ્ત્રીને સુલભ વસ્તુ છે. હું માનું છું કે કોઈક કન્યાને દેવે હરી તાપસકુમારનું રૂપ આપેલું અને તેણે જ પવનનું રૂપ કરી આપણને રહેવા દઈ તેને હરી લીધો. કુમાર ! ખેદ ન કરો. તાપસકુમાર કન્યા હશે તો જરૂર તને જ પરણશે તે મને નિશ્ચિંત લાગે છે.’
રત્નસાર પોપટની યુક્તિયુક્તવાણી સાંભળી આનંદ પામ્યો. અને અનુક્રમે પૃથ્વીના વિવિધ આશ્ચર્યોને જોતો પોપટ સહિત એક ઉદ્યાનમાં આવ્યો. અહિં તે ઉદ્યાનમાં રહેલ ઋષભદેવ ભગવાનના મંદિરમાં પ્રવેશી તેમની પૂજા કરી પોતાના જન્મને કૃતાર્થ માનવા લાગ્યો. એટલામાં અપ્સરા સરખી એક કન્યા મંદિરમાં પ્રવેશી. તે ભગવાનની ભક્તિથી વંદના કરી મયૂર ઉપર બેસી નૃત્ય કરવા લાગી. પોપટ અને કુમાર તેની ભક્તિ અને નૃત્યમાં તન્મય બન્યા. પાછા વળતાં કુમારે તે સ્ત્રીને તેનો વૃત્તાંત પૂછયો. સ્ત્રીએ કુમારના અતિ આગ્રહથી કાંઈક આશ્ચર્ય, કાંઈક દુ:ખ, કાંઈક ભય અને કાંઈક આનંદ એમ મિશ્રિત ભાવે પોતાનો વૃત્તાંત કહેવા માંડ્યો. તે આ રીતે ઃ
કનકપુર નગરમાં કનકધ્વજ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને કુસુમસુંદરી નામે રાણી હતી. એક વખત કુસુમસુંદરી આરામથી સુતી હતી ત્યારે તેણે રતિ અને પ્રીતિનું જોડું કામદેવના ખોળામાંથી ઉઠી પોતાના ખોળામાં આવી બેઠું તેવું સ્વપ્રમાં જોયું. કુસુમસુંદરીને જાગૃત થતાં સ્વપ્રનો ભાવ તરવરવા લાગ્યો. તે રાજા પાસે ગઈ અને તેણે સ્વપ્રની સર્વ વાત કહી. રાજાએ વિચારી સ્વપ્રનું ફળ જણાવતાં કહ્યું હે સુંદરી ! તારે રતિ પ્રીતિ સરખું સ્વરૂપવાન કન્યાયુગલ થશે.' કુસુમસુંદરી આનંદ પામી. તે ત્યારથી ગર્ભવતી થઈ, પૂર્ણ સમયે તેણીએ પુત્રી યુગલનો જન્મ આપ્યો.
રાજાએ પ્રથમ પુત્રીનું નામ અશોકમંજરી અને બીજીનું નામ તિલકમંજરી એવું પાડ્યું. દિવસો જતાં બન્ને કન્યાઓ કળાઓ સાથે વધવા લાગી તેમનું રૂપ અને યૌવન ખીલી નીકળ્યું અને જાણે આંખની બે સરખી કીકીઓ હોય તેવી બે કન્યાઓ દેખાવા લાગી.
૨૯