________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
કનકધ્વજરાજા કન્યાઓને યૌવન પરિણત દેખી વિચારવા લાગ્યો કે, આમને માટે હું યોગ્યવર ક્યાંથી શોધી કાઢીશ ? ખરેખર કન્યાના પિતાને ગમે તેવી સારી કન્યા હોય તો પણ દુ:ખ જ હોય છે. સૌ પ્રથમ ‘કન્યા થઈ' તે શબ્દ સાંભળતાં ચિંતા થાય છે મોટી થતાં તે કોને આપવી એવી ચિંતા મનમાં રહે છે અને લગ્ન કરાવ્યા પછી પણ ભર્તારને ઘેર સુખે રહેશે કે નહિ અગર ત્યાં તેને શું સુખ દુ:ખ મળશે ? તેથી પિતાનું ચિત્ત ચિંતાથી ઘેરાય છે.
૨૨૬
વસંતઋતુ બેઠી, સર્વ બાજુ વનરાજી ખીલી કનકધ્વજ રાજા પુત્રીઓ અને સ્ત્રી સહિત ઉદ્યાનમાં ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં એક હિંડોળા આગળ આવ્યો. અહિં અશોકમંજરી હિંડોળા ઉપર ચઢી અને તિલકમંજરીએ તેને હિંચકો નાંખ્યો. હિંડોળે ચઢેલી અશોકમંજરીએ તરૂણ પુરુષોનાં મન અને નેત્રોને પણ હિલોળે ચઢાવ્યાં હોય તેમ હીંચકા ખાવા લાગી. એવામાં ત્રડન્નડ અવાજ કરતો હિંચકો તૂટયો. લોકો શું થાય છે ? તે જુએ તેટલામાં તો અશોકમંજરી હિંચકા સાથે આકાશમાં દૂર દૂર જતી દેખાઈ. લોકોએ કોલાહલ અને બૂમરાણ કરી મૂકી પણ અશોકમંજરીને હરણ કરનાર કોણ છે તે કોઈ શોધી શક્યું નહિ.
કનકધ્વજ રાજા પુત્રીના હરણથી શોકાકુલ થયો. બહેનના હરણથી તિલકમંજરી જમીન ઉપર મૂર્છા ખાઈ પડી. માતા કુસુમસુંદરી પણ નિશ્ચેષ્ટ બની વિલાપ કરવા લાગી. અશોક નામ ધારી વૃક્ષો પણ શોક કરતા હોય તેમ દેખાવા લાગ્યાં. આમ આખું ઉદ્યાન શોકવાળું થયું. માતા, પિતા, તિલકમંજરી અને લોકોના દુઃખને સહન નહિ કરી શકવાથી સૂર્ય પણ શરમિંદો બની આથમ્યો. ચંદ્રે શીતલતા વર્ષાવી. આ પછી એક બીજા એક બીજાને આશ્વાસન આપી સૌ સ્વસ્થ બન્યાં.
આ પછી પાછલી રાત્રે તિલકમંજરી ઉઠી અને સખીનો પરિવાર સાથે લઈ ગોત્રદેવી ચક્કેશ્વરીના મંદિરમાં ગઈ ત્યાં તેણે દેવીની ભક્તિ કરી તેની પ્રત્યે બોલી ‘હે માતા ! તું અમારા કુળનું રક્ષણ કરનાર છે. અશોકમંજરીના હરણથી અમે સૌ દીન અને અનાથ બન્યાં છીએ જો તું આનો જવાબ નહિ આપે તો હું તારે બારણે આમરણાંત ઉપવાસ કરીશ. કારણ કે મને બહેન વિના જીવવામાં રસ રહ્યો નથી.' ચક્રેશ્વરી દેવી તિલકમંજરીની ભક્તિ, શક્તિ અને યુક્તિથી પ્રસન્ન થઈ બોલી ‘હે તિલકમંજરી ! તારી બહેન ક્ષેમકુશળ છે. એક માસમાં તેની શુદ્ધિ તને આપોઆપ મળશે. તેજ વખતે તારો અને એનો મેળાપ થશે.'
આ નગરીની પશ્ચિમ દિશાએ એક ભયંકર અટવી છે તે અટવીમાં ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ છે. તે પ્રાસાદમાં રહેલ પ્રતિમાની તું હરહંમેશ પૂજા કર જેથી તારૂં વિઘ્ન દૂર થશે. અને તારી બહેન તને ત્યાં મળશે.’ તિલકમંજરીએ કહ્યું ‘માતાજી ! દૂર રહેલ આ મંદિરે હું દરરોજ શી રીતે જાઉં ? અને પાછી શી રીતે આવું ?’ ‘હે સુંદરી ! તે માટે તું ગભરાઈશ નહિ. મારો સેવક ચંદ્રચૂડ દેવ મારા હુકમથી મયૂરનું રૂપ કરી તને રોજ લઈ જશે અને પાછી લાવશે.’ એટલામાં તો મયૂરપક્ષી પ્રગટ થયો. અને મને ઉપાડી અહિં લાવ્યો. આમ હું રોજ પૂજા કરવા આવું છું અને પાછી જાઉં છું કુમાર ! દેવીએ જણાવેલ અટવી તે આ અટવી છે. તિલકમંજરી તે હું છું અને મારે શા માટે રોજ આવવું જવું પડે છે. તેનું કારણ તમે જાણ્યું. દેવીએ બતાવેલ મહિનાની અવિધ આજ પુરી થઈ છે છતાં હજુ સુધી મને મારી બેનના નામની પણ ભાળ મળી નથી. કુમાર ! તમે જગતમાં ફરતાં મારા સરખા રૂપવાળી કોઈ કન્યાને જોઈ છે ખરી ?'