________________
૨૨૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
રત્નસાર કુમારે ગુરુની વાણી સાંભળી પરિગ્રહ પરિમાણ વ્રત લીધું. તે આ પ્રમાણે - એક લાખ રત્ન, દશ લાખ સુવર્ણ, મોતી તથા પરવાળાના આઠ આઠ મુડા, આઠ ક્રોડ સોનૈય, દશ હજારભાર રૂપું વિગેરે ધાતુઓ, સો મુડા ધાન્ય, એક લાખ ભાર કરિયાણાં, છ ગોકુળ, પાંચસો ઘર તથા દુકાન, ચારસો વાહન, એક હજાર ઘોડા, સો હાથી આટલું પોતાની માલીકીનું રાખવું. આથી વધારે સંગ્રહ ન કરવો. મારે રાજ્ય ન સ્વીકારવું તથા રાજ્યનો વ્યાપાર ન કરવો.’ આ નિયમ અતિચાર રહિત તે પાળવા લાગ્યો.
રત્નસારકુમાર સમય જતાં એક વખત મિત્રો સાથે “રોલંબલોલ' નામના બગીચામાં આવ્યો અને ત્યાં તેણે એક કિન્નર યુગલને જોયું. તે દેખી રત્નસારે હાસ્યથી કહ્યું “આનો આકાર માણસનો છે અને મોટું ઘોડાનું છે. ખરેખર આમ કોઈ તિર્યંચ હશે અગર કોઈ દેવતાનું વાહન હશે.' કિન્નરે કહ્યું “કુમાર ! હું વ્યંતર દેવ છું. હું તિર્યંચ નથી, પણ તું તિર્યંચ સરખો છે. કારણ કે તારા પિતાએ તને એક દેવતાઈ સમરાંધકાર અશ્વથી દૂર રાખ્યો છે. આ અશ્વ તારા પિતાને દ્વિપાન્તરમાંથી મળ્યો હતો. તે એક દિવસમાં સો ગાઉ જાય છે. કુમાર ! બોલ. હું તિર્યંચ કે તું. જેને પોતાના પિતા પાસે કઈ કિંમતી વસ્તુ છે તેનું પણ પોતાને ભાન નથી.’ આમ કહી કિન્નર કિન્નરીની સાથે આકાશમાં ઉડી ગયો.
કુમાર ઘેર આવી બારણા બંધ કરી પલંગમાં બેઠો. પિતાએ આવી પૂછ્યું પુત્ર ! તને શું દુઃખ થયું છે? તું કહે તો સમજણ પડે અને તે દૂર કરી શકાય.” પુત્રે કિન્નરે કહેલી વાત કહી. પિતાએ કહ્યું “પુત્ર ! મારે તારાથી અધિક શું હોય ? અશ્વને છૂપો રાખવાનું કારણ તું અશ્વ ઉપર બેસી બહાર ફરે અને અમને તારો વિયોગ થાય તેથી અમે તારાથી અશ્વને છૂપો રાખ્યો છે. છતાં તારો આગ્રહ હોય તો ભલે તે અશ્વ આજથી હું તને આપું છું.'
રત્નસારકુમારે પિતા પાસેથી અશ્વ મેળવ્યો અને તે ધરિત, વહ્નિત, પ્લત અને ઉત્તેજિત વિગેરે ગતિમાં અશ્વને ફેરવવા લાગ્યો. આ પછી તેણે આસ્કંદિત નામની પાંચમી ગતિમાં અને ફેરવ્યો કે તુર્ત તે સર્વ ઘોડાઓને પાછળ મૂકી પવનની જેમ ત્વરિત ગતિએ અદશ્ય થયો.
આ અરસામાં વસુસાર શેઠને ત્યાં પાંજરામાં રહેલ પોપટ બોલ્યો “હે તાત ! રત્નસારની સાથે જવાનું મારું મન થાય છે. કારણ કે તેની સાથે હું હોઉં તો તેમને સહાય કરું અને વિનોદ કરાવું.” શેઠે સંમતિ આપી. પોપટ ઉડ્યો. અને જોતજોતામાં રત્નસારને જઈ મળ્યો. આમ ફરતાં ફરતાં રત્નસાર સબરસેના નામની મોટી અટવામાં આવ્યો. અહીં તેણે ઘણાં કૌતુક જોયાં પણ આ સર્વ કરતાં અતિ કૌતુક તો તેણે ત્યાં એક તાપસકુમારને જોયો તે હતું.
તાપસકુમાર રત્નસારને દેખી હિંડોળા ઉપરથી હેઠો ઉતર્યો. પગે લાગ્યો અને મિત્ર સમાન પૂછવા લાગ્યો ‘તમે કોણ ? તમારા મા-બાપ કોણ ? અને તમે ક્યાંના વતની છો ?' તેવામાં પોપટ વચ્ચે બોલ્યો “તાપસકુમાર ! આ બધું નિરાંતે પૂછજો. અત્યારે તો તેમનો આદરસત્કાર કરો.” તાપસકુમારે રત્નસાર અને પોપટનું ભિન્નભિન્ન ફળ, પુષ્પ અને શીતજળથી આતિથ્ય કર્યું. અશ્વને પણ તેને યોગ્ય ખોરાક આપી તૃપ્ત કર્યો.