________________
પાપના પ્રકાર.
૧૭૭ પ્રશ્ન :- ન્યાયવાન એવા પણ કેટલાક લોકો નિર્ધનતા આદિ દુઃખથી ઘણા પડાયેલા દેખાય છે, તેમજ બીજા અન્યાયથી ચાલનારા લોકો પણ ઐશ્વર્ય આદિ ઘણું હોવાથી સુખી દેખાય છે. ત્યારે ન્યાયથી સુખ થાય એમ આપ કહો છો તે પ્રમાણભૂત કેમ મનાય ?
ઉત્તર :- ન્યાયથી ચાલનારા લોકોને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વભવના કર્મનાં ફળ છે પણ આ ભવમાં કરેલા કર્મનાં ફળ નથી.
શ્રી ધર્મઘોષસૂરિજીએ કહ્યું છે કે - ૧ પુણ્યાનુબંધી પુણ્ય, ૨ પાપાનુબંધી પુણ્ય, ૩ પુણ્યાનુબંધી પાપ અને ૪ પાપાનુબંધી પાપ, એવા પૂર્વકૃત કર્મના ચાર પ્રકાર છે.
જિનધર્મની વિરાધના ન કરનારા જીવો ભરત ચક્રવર્તીની જેમ સંસારમાં દુઃખ રહિત નિરુપમ સુખ પામે છે તેમને પુણ્યાનુબંધી પુણ્ય જાણવું.
અજ્ઞાને કષ્ટ કરનારા જીવો કોણિક રાજાની જેમ મોટી ઋદ્ધિ તથા રોગ રહિત કાયા આદિ ધર્મસામગ્રી છતાં પણ ધર્મકત્ય કરે નહિ અને પાપકર્મને વિષે ૨ક્ત થાય તેઓને પાપાનુબંધી પુણ્ય જાણવું.
જે જીવો દ્રમક મુનિની જેમ પાપના ઉદયથી દરિદ્રી અને દુઃખી છતાં પણ લેશમાત્ર દયા આદિ હોવાથી જિનધર્મ પાળે છે તે પુણ્યાનુબંધી પાપ જાણવું.
જે જીવો કાલશૌકરિકની જેમ પાપી, ઘાતકી કર્મ કરનારા, અધર્મી, નિર્દય, કરેલા પાપનો પસ્તાવો ન કરનાર અને જેમ જેમ દુઃખી થતા જાય તેમ તેમ અધિક અધિક પાપકર્મ કરતા જાય એવા છે તેઓને પાપાનુબંધી પાપનું ફળ જાણવું.
પુણ્યાનુબંધી પુણ્યથી બાહ્ય ઋદ્ધિ અને અંતરંગ ઋદ્ધિ પણ પમાય છે. તે બે ઋદ્ધિમાં એક પણ ઋદ્ધિ જે માણસ ન પામ્યો તેના મનુષ્યભવને ધિક્કાર થાઓ! જે જીવો પ્રથમ શુભ પરિણામથી ધર્મકૃત્યનો આરંભ કરે પણ પાછળથી શુભ પરિણામ ખંડિત થવાથી પરિપૂર્ણ ધર્મ કરે નહીં તે જીવો પરભવમાં આપદા સહિત સંપદા પામે. આ રીતે કોઈ જીવને પાપાનુબંધી પુણ્યના ઉદયથી આ લોકમાં દુઃખ જણાતું નથી તો પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાપકર્મનું ફળ મળવાનું એમાં કાંઈ શક નથી. કેમકે દ્રવ્ય સંપાદન કરવાની બહુ ઈચ્છાથી અંધ થયેલો માણસ પાપકર્મ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પરોવેલા લોઢાના કાંટાની જેમ તે માણસનો નાશ કર્યા વગર પચતી નથી. જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણચોરી વગેરે અકાર્ય સર્વથા તજવાં. કેમકે તેથી આ લોકમાં તથા પરલોકમાં અનર્થ પેદા થાય છે. જેથી કોઈને સ્વલ્પ માત્ર પણ તાપ ઉત્પન્ન થતો હોય તે વ્યવહાર, તથા ઘર-હાટ કરાવવાં, લેવા તથા તેમાં રહેવું વગેરે સર્વ છોડવું. કારણ કે કોઈને તાપ ઉત્પન્ન કરવાથી પોતાની સુખાદિ ઋદ્ધિ વધતી નથી. કેમકે જે લોકો મૂખર્તાથી મિત્રને, કપટથી ધર્મને, સુખથી વિદ્યાને અને કુરપણાથી સ્ત્રીને વશ કરવા તથા પરને તાપ ઉપજાવી પોતે સુખી થવા ઇચ્છતા હોય તે મૂર્ખ જાણવાં.
| વિવેકી પુરુષે જેમ લોકો આપણા ઉપર પ્રીતિ કરે તેમ પોતે વર્તવું. કહ્યું છે કે ઇન્દ્રિયો જીતવાથી વિનય ગુણ ઉત્પન્ન થાય છે. વિનયથી ઘણા સગુણોની પ્રાપ્તિ થાય છે; ઘણા સગુણોથી