________________
૧૭૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ લોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને લોકોના અનુરાગથી સર્વ સંપત્તિ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરુષે પોતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલો સંગ્રહ વગેરે વાત કોઈની આગળ ખુલ્લી ન કરવી. કેમકે ડાહ્યા પુરુષ સ્ત્રી, આહાર, પુણ્ય, ધન, ગુણ, દુરાચાર, મર્મ અને મંત્ર એ આઠ પોતાની વસ્તુ ગુપ્ત રાખવી.
કોઈ અજાણ્યો માણસ ઉપર કહેલી આઠ વસ્તુનું સ્વરૂપ પૂછે તો અસત્ય ન બોલવું, પણ એમ કહેવું કે “એવા સવાલનું શું કારણ છે ?” વગેરે જવાબ ભાષાસમિતિથી આપવો. રાજા, ગુરુ વગેરે મોટા પુરુષો ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે તો, પરમાર્થથી જે વસ્તુ જેવી હોય તેવી કહી દેવી. કેમકે મિત્રોની સાથે સત્ય વચન બોલવું, સ્ત્રીની સાથે મધુર વચન બોલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન બોલવું, અને પોતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવું સત્ય વચન બોલવું. સત્ય વચન એ એક માણસને માટે મોટો આધાર છે. કારણ કે સત્ય વચનથી જ વિશ્વાસ આદિ ઉત્પન્ન થાય છે. આ વિષય ઉપર એક દૃષ્ટાંત સંભળાય છે તે એ છે કે :સત્યવચન ઉપર મહણસિંહનું દૃષ્ટાંત.
દિલ્હી નગરીમાં મહણસિંહ નામે એક શેઠ રહેતો હતો. તેની સત્યવાદીપણાની કીર્તિ બધા સ્થળે જાહેર હતી. બાદશાહે એક દિવસે મહણસિંહની પરીક્ષા કરવા તેને પૂછ્યું કે, તારી પાસે કેટલું ધન છે ?” ત્યારે મહણસિંહે કહ્યું કે “હું ચોપડામાં લેખ જોઈને પછી કહીશ.” એમ કહી મહણસિંહે સર્વ લેખ સમ્યક પ્રકારે જોઈ બાદશાહને સાચે સાચું કહ્યું કે મારી પાસે આશરે ચોરાશી લાખ ટંક હશે.” “મેં થોડું ધન સાંભળ્યું હતું અને એણે તો બહું કહ્યું.” એમ વિચાર કરી બાદશાહ ઘણો પ્રસન્ન થયો અને તેણે મહણસિંહને પોતાનો ભંડારી બનાવ્યો. ભીમ સોનીનું દષ્ટાંત.
આવી જ રીતે ખંભાત નગરમાં વિષમ દશામાં આવે તો પણ સત્ય વચનને ન છોડે એવો શ્રી જગચંદ્રસૂરિનો શિષ્ય ભીમ નામે સોની રહેતો હતો. એક વખતે શસ્ત્રધારી યવનોએ શ્રી મલ્લિનાથજીના મંદિરમાંથી ભીમને પકડી બંદીખાનામાં રાખ્યો, ત્યારે ભીમના પુત્રોએ પોતાના પિતાજીને છોડાવવાને માટે ચાર હજાર ખોટા ટંકનું તે લોકોને ભેટશું કર્યું. યવનોએ તે ટંકની પરીક્ષા ભીમ પાસે કરાવી. ત્યારે ભીમે જે હતું તે કહ્યું. તેથી પ્રસન્ન થઈ તેમણે ભીમને છોડી દીધો. મિત્ર કેવો કરવો !
વિવેકી પુરુષે આપત્તિ વખતે મદદ મળે તે માટે એવો એક મિત્ર કરવો કે જે ધર્મથી, ધનથી, પ્રતિષ્ઠાથી તથા બીજા એવા જ સદ્ગુણોથી આપણી બરાબરીનો, બુદ્ધિશાળી તથા નિર્લોભી હોય. રઘુકાવ્યમાં કહ્યું છે કે, રાજાનો મિત્ર તદ્દન શક્તિ વિનાનો હોય તો પ્રસંગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તે મિત્ર રાજાથી વધારે શક્તિમાન હોય તો તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે, માટે રાજાના મિત્ર મધ્યમ શક્તિના ધારણ કરનારા જોઈએ. બીજા એક સ્થળને વિષે પણ કહ્યું છે કે -