________________
થાપણ કેમ રાખવી અને કેમ વાપરવી ?
૧૮૧
સાક્ષી રાખી સર્વ દ્રવ્ય લઈ વણિકને છોડી દીધો. તે ણિક અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછો પોતાને ગામ ગયો.
કેટલોક વખત જતાં એક દિવસે તે ચોરો વણિકના ગામના કેટલાક ચોરોની સાથે ઘણી વસ્તુ લઈને (વણિકના ગામમાં) આવ્યા. તે વણિકે ચોરોને ઓળખી પોતાના દ્રવ્યની માગણી કરી તેથી કલહ થયો અને છેવટે તે વાત રાજદ્વારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછ્યું “દ્રવ્ય આપ્યું તે વખતે કોઈ સાક્ષી હતું ?” વણિકે પાંજરામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું, “આ મારો સાક્ષી છે.” ચોરોએ કહ્યું, તારો કેવો સાક્ષી છે તે દેખાડ ?' વણિકે દેખાડયો ત્યારે ચોરોએ કહ્યું, “તે આ નથી. તે કાબરચિત્ર વર્ણનો હતો અને આ તો કાળો છે.’’ આ રીતે પોતાને મુખે જ ચોરોએ કબૂલ કર્યું ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. એ પ્રકારે સાક્ષી રાખવા ઉપર દૃષ્ટાંત કહ્યું.
થાપણ કેમ રાખવી અને કેમ વાપરવી ?
થાપણ મૂકવી કે લેવી હોય તો છાની મૂકવી નહીં કે લેવી નહીં. પણ સ્વજનોને સાક્ષી રાખીને જ મૂકવી તથા લેવી. ધણીની સમ્મતિ વિના થાપણ હલાવાય પણ નહીં. તો પછી વાપરવાની તો વાત જ શી ? કદાચિત્ થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તો તે થાપણ તેના પુત્રોને આપવી. તેને પુત્ર આદિ ન હોય તો સર્વ સંઘના સમક્ષ તે ધર્મસ્થાને વાપરવી. ઉધાર થાપણ આદિની નોંધ તે જ વખતે કરવામાં લેશમાત્ર પણ નૅસ ન કરવી. કહ્યું છે કે ગાંઠમાં દ્રવ્ય રાખવામાં, વસ્તુની પરીક્ષામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીઘ્ર વિનાશ પામે છે. પાછળથી માણસના ધ્યાનમાં સર્વ વાત રહેતી નથી, બહુ ભૂલી જવાય છે. અને ભૂલી જવાથી વૃથા કર્મબંધ આદિ દોષ માથે આવે છે.
પોતાના નિર્વાહને અર્થે ચંદ્રમા જેમ રવિને અનુસરે છે તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહીં તો વખતે પરાભવ આદિ થવાનો સંભવ છે. કહ્યું છે કે ડાહ્યા પુરુષો પોતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે તથા શત્રુજનનો નાશ કરવાને માટે રાજાનો આશ્રય માગે છે, પણ પોતાના ઉદરપોષણને અર્થે નહિ; કારણ કે રાજાના આશ્રય વિના કોણ પોતાનું ઉદર પોષણ કરતું નથી ? ઘણા કરે છે વસ્તુપાળ મંત્રી, પેથડશ્રેષ્ઠી આદિ લોકોએ પણ રાજાના આશ્રયથી જિનમંદિર આદિ અનેક પુણ્યકૃત્ય કર્યાં છે.
ધર્માદિના સોગન ન ખાવા..
હવે, વિવેકી પુરુષે જુગાર, કિમિયા આદિ વ્યસનોનો દૂરથી જ ત્યાગ કરવો. કહ્યું છે કે દૈવનો કોપ થાય ત્યારે જ દ્યૂત, ધાતુર્વાદ, અંજનસિદ્ધિ, રસાયન અને યક્ષિણીની ગુફામાં પ્રવેશ એટલાં વાનાં કરવાની બુદ્ધિ થાય છે. તેમજ સહજ કામમાં જેમ તેમ સોગન વગેરે પણ ન ખાવા અને તેમાં પણ વિશેષે કરીને દેવ, ગુરુ, જ્ઞાન આદિના તો ન જ ખાવા. કહ્યું છે કે જે મૂઢ પુરુષ ચૈત્ય(દેવ)ના સાચા અથવા જુઠા સમ ખાય તે બોધિબીજ વમે અને અનંતસંસારી થાય.