________________
૧૩૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
માતા-પિતાદિ અંગે તો પુણ્ય જીવતાં જ કરવું.
મુખ્યમાર્ગે જોતાં તો પિતા આદિ લોકોએ પુત્ર વગેરે લોકોની પાછળ અથવા પુત્ર આદિ લોકોએ પિતા પાછળ જે પુણ્યમાર્ગે ખરચવું હોય, તે પ્રથમથી જ સર્વની સમક્ષ જાહેર કરવું. કારણ કે કોણ જાણે કોનું ક્યાં અને શી રીતે મરણ થશે ? માટે પ્રથમ નક્કી કરીને જેટલું કબૂલ કર્યું હોય, તેટલું અવસર ઉપર જુદું જ વાપરવું પણ પોતે કરેલા સાધર્મિકવાત્સલ્ય વગેરે કૃત્યોમાં ન ગણવું. કારણ કે તેથી ધર્મસ્થાનને વિષે વ્યર્થ દોષ આવે છે.
તીર્થયાત્રા અંગે કાઢેલું દ્રવ્ય.
એમ છતાં કેટલાક લોકો યાત્રાને અર્થે ‘આટલું દ્રવ્ય ખરચીશું' એમ કબૂલ કરીને તે કબૂલ કરેલી રકમમાંથી જ ગાડી-ભાડું, ખાવું, પીવું, મોકલવું વગેરે માર્ગ આદિ સ્થાનકે લાગેલું ખર્ચ તે દ્રવ્યમાં ગણે છે, તે મૂઢ લોકો કોણ જાણે કે કઈ ગતિ પામશે ? યાત્રાને અર્થે જેટલું દ્રવ્ય માન્યું હોય તેટલું દેવ-ગુરુ આદિનું દ્રવ્ય થયું. તે દ્રવ્ય જો પોતાના ઉપભોગમાં વાપરે તો દેવાદિ દ્રવ્ય ભક્ષણ કર્યાનો દોષ કેમ ન લાગે ?
એવી રીતે જાણતાં અથવા અજાણતાં જે કોઈ પ્રસંગે દેવાદિ દ્રવ્યનો ઉપભોગ થયો હોય તેની આલોયણા તરીકે, જેટલા દ્રવ્યનો ઉપભોગ અનુમાનથી ધ્યાનમાં આવતો હોય તેના પ્રમાણમાં પોતાની ગાંઠનું દ્રવ્ય દેવાદિ દ્રવ્યમાં નાંખે. એ આલોયણા મરણ સમય નજીક આવે ત્યારે તો અવશ્ય કરવી. વિવેકી પુરુષે પોતાની અલ્પ શક્તિ હોય તો ધર્મના સાત ક્ષેત્રોને વિષે પોતાની શક્તિ પ્રમાણે અલ્પ દ્રવ્ય વાપરવું, પણ માથે કોઈનું ઋણ રાખવું નહીં. પાઈએ પાઈ ચૂકતી કરવી તેમાં પણ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું ઋણ તો બિલકુલ ન જ રાખવું, કહ્યું છે કે -
શ્રેષ્ઠ પુરુષે કોઈનું ઋણ એક ક્ષણ માત્ર પણ કોઈ કાળે ન રાખવું, તો પછી અતિ દુઃસહ દેવાદિનું ઋણ કોણ માથે રાખે ?
માટે બુદ્ધિમાન પુરુષે ધર્મનું સ્વરૂપ જાણીને સર્વ ઠેકાણે ચોક્ખો વ્યવહાર રાખવો. કહ્યું છે કે જેમ કમલ પડવાના ચંદ્રને, નોળિયો નોળવેલને, હંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રાવેલને જાણે છે, તેમ બુદ્ધિમાન પુરુષ સૂક્ષ્મધર્મ જાણે છે. હવે આ વિષયને આ કરતાં વધારે વિસ્તારવાની જરૂર નથી.
હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા વિશે કહીએ છીએ.
પચ્ચક્ખાણની વિધિ.
આ રીતે જિનપૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દઢપણે પાળનાર એવા ગુરુની પાસે જઈ પોતે પૂર્વે કરેલું પચ્ચક્ખાણ અથવા તેમાં કાંઈક વધારીને ગુરુ પાસે ઉચ્ચરવું. જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચારપ્રદીપ ગ્રંથથી જાણવી.
પચ્ચક્ખાણ ત્રણ પ્રકારનું છે. એક આત્મસાક્ષિક, બીજું દેવસાક્ષિક અને ત્રીજું ગુરુસાક્ષિક તેનો વિધિ આ પ્રમાણે :- જિનમંદિરે દેવવંદન અર્થે, સ્નાત્ર મહોત્સવના દર્શનને અર્થે અથવા