________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
એક વખતે રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે “હજી પટ્ટરાણીને એકે પુત્ર થયો નથી અને બીજી રાણીઓને તો સેંકડો પુત્ર છે. એમાં રાજ્યને યોગ્ય પુત્ર કોણ હશે ?” રાજા એવી ચિંતામાં છે એટલામાં રાત્રે સ્વપ્રમાં જાણે સાક્ષાત્ જ હોય નહિ ! એવા કોઈ દિવ્ય પુરુષે આવી રાજાને કહ્યું, “હે રાજન્ ! પોતાના રાજ્યને યોગ્ય પુત્રની તું ફોકટ ચિંતા ન કર. દુનિયામાં કલ્પવૃક્ષ સમાન ફળદાયક એવા એક જિનધર્મની જ વિધિપૂર્વક તું આરાધના કર તેથી આલોક, પરલોકમાં તારી ઇષ્ટસિદ્ધિ થશે.” એવું સ્વપ્ર જોવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવાપૂર્વક જિનધર્મની આરાધના કરવા લાગ્યો. પછી કોઈ ઉત્તમ જીવ પ્રથમ અરિહંતની પ્રતિમા સ્વપ્રમાં દેખાડી પ્રીતિમતીની કૂખમાં અવતર્યો. તેથી સર્વેલોક આનંદ પામ્યા. ગર્ભના પ્રભાવથી તે પ્રીતિમતી રાણીને મણિ-રત્નમય જિનમંદિર અને જિનપ્રતિમા કરાવવી તથા તેની પૂજા કરવી ઇત્યાદિ દોહલો ઉત્પન્ન થયો.
૧૦૪
દેવતાઓની કાર્યસિદ્ધિ મનમાં ચિંતવતાં જ થઈ જાય છે, રાજાઓની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નીકળતાં થાય છે. ધનવંત લોકોની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે. અને બાકી રહેલા મનુષ્યોની કાર્યસિદ્ધિ તે પોતે અંગ-મહેનત કરે ત્યારે થાય છે. રાજાએ ઘણા હર્ષથી તેનો સંપૂર્ણ દોહલો તત્કાળ પૂર્ણ કર્યો, જેમ મેરુપર્વત ઉપરની ભૂમિ પારિજાત-કલ્પવૃક્ષને પ્રસવે, તેમ પ્રીતિમતી રાણીએ આગળથી જ શત્રુનો નાશ કરનારો પુત્ર પ્રસવ્યો. તે પુત્ર અનુક્રમે મહિમાવંત થયો.
રાજધર રાજાને પુત્ર જન્મ સાંભળી ઘણો જ હર્ષ થયો, તેથી તેણે પૂર્વે કોઈ સમયે નહિ કરેલો એવો તે પુત્રનો જન્મોત્સવ વગેરે કાર્યો કર્યાં અને તે પુત્રનું શબ્દાર્થને અનુસરતું ધર્મદત્ત એવું નામ રાખ્યું. એક દિવસે નવનવા ઉત્સવ કરીને આનંદથી તે પુત્રને જિનમંદિરે લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન આગળ ભેટણા માફક મૂક્યો. ત્યારે ઘણી સંતુષ્ટ થયેલ પ્રીતિમતી રાણીએ પોતાની સખીને કહ્યું કે -
“હે સખી ! તે ચતુર હંસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એવો ઘણો જ ઉપકાર મારા ઉપર કર્યો. તે હંસના વચન પ્રમાણે કરવાથી નિર્ધન પુરુષ જેમ દૈવયોગથી પોતાનાથી મેળવી ન શકાય એવો નિધિ પામે તેમ મારાથી મેળવી ન શકાય એવું જિનધર્મરૂપ એક રત્ન અને બીજું આ પુત્રરત્ન હું પામી. પ્રીતિમતી આમ બોલે છે એટલામાં માંદા માણસની જેમ તે બાળક એકાએક આવેલી મૂર્છાથી તત્કાળ બેભાન થઇ ગયું અને તેની પાછળ તેની માતા પણ આકરા દુઃખથી મૂર્છા ખાઇ બેભાન થઇ જમીન પર ઢળી પડી.
તુરત પરિવારના તથા આસપાસના લોકોએ દૃષ્ટિદોષ અથવા કોઇ દેવતાની પીડા વગેરે હશે.’ એમ કલ્પના કરી ઘણા ખેદથી ઊંચે સ્વરે પોકાર કર્યો કે, “હાય હાય ! માતા અને પુત્ર એ બન્નેને એકદમ આ શું થયું ?'' ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન વગેરે લોકોએ ત્યાં આવી બન્ને માતાપુત્રને શીતળ ઉપચાર કર્યા તેથી થોડી વારમાં જ બાળક અને તેની પાછળ તેની માતા પણ સચેતન થઇ પૂર્વકર્મનો યોગ ઘણો આશ્ચર્યકારી છે. તે જ સમયે સર્વત્ર આ વાતની વધામણી ગઇ. રાજપુત્રને ઉત્સવ સહિત લઇ ગયા.