________________
૧૦૩
વિધિ અને બહુમાન ઉપર કથા.
વિધિ અને બહુમાન ઉપર ધર્મદત્ત નૃપની કથા
રૂપાના જિનમંદિરથી શોભતા એવા રાજપુરનગરમાં ચંદ્રમાની જેમ શીતકર અને ૧કુવલયવિકાસી એવો રાજધર નામે રાજા હતો. તેને પ્રીતિમતી આદિ પાંચસો રાણીઓ હતી એક પ્રીતિમતી રાણી સિવાયની બાકી સર્વે રાણીઓને જગતને આનંદકારી પુત્રો હતા. જ્યારે પ્રીતિમતી રાણીને પુત્ર ન હોવાથી મનમાં ઘણો જ ખેદ પામતી.
દેવતાઓને કરેલી વિવિધ પ્રકારની માનતાઓ પણ જ્યારે નિષ્ફળ નીવડી ત્યારે તો પ્રીતિમતીનું દુ:ખ ઘણું વૃદ્ધિ પામ્યું. ઉપાયો નિષ્ફળ જાય ત્યારે આશા સફળ ન થાય.
એક સમયે એક હંસનું બચ્ચું ઘરમાં બાળકની જેમ રમતું હતું તે તેણે હાથ ઉપર લીધું. તો પણ મનમાં ભય ન રાખતાં હંસે મનુષ્ય વાણીથી તે રાણીને કહ્યું કે “હે ભદ્રે ! હું અહીં યથેચ્છ છૂટથી રમતો હતો તો મને તું નિપુણ છતાં કેમ રમાડવાના રસથી પકડે છે ? યથેચ્છ વિહાર કરનારા જીવોને બંધનમાં રહેવું નિરંતર મરણ સમાન છે. તું પોતે વંધ્યાપણું ભોગવવા છતાં પાછું એવું અશુભ કર્મ કેમ કરે છે ? શુભકર્મથી ધર્મ થાય છે અને ધર્મથી પોતાનું વાંછિત સફળ થાય છે.''
પછી પ્રીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હંસને કહ્યું કે, “હે ચતુર શિરોમણે ! તું મને એમ કહે છે ? તને હું થોડીવારમાં મૂકી દઉં પણ તે પહેલાં એક વાત તને પૂછું છું કે અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણાં શુભ કર્મ હું હંમેશાં કરું છું તો પણ શાપ પામેલી સ્ત્રીની જેમ મને સંસારમાં સુખકર પુત્ર કેમ નથી થતો ? પુત્ર વિના હું દુ:ખી છું તે તું શી રીતે જાણે છે ? અને મનુષ્યની વાણી શી રીતે બોલે છે ?
હંસ બોલ્યો, “મારી વાતચીત પૂછવાનું તને શું કારણ છે ? હું તને લાભકારી વચન કહું છું. ધન, પુત્ર, સુખ આદિ સર્વે વસ્તુની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા કર્મની આધીનતામાં છે. આ લોકમાં કરેલું શુભકર્મ તો વચ્ચે આવતાં અંતરાયોને દૂર કરે છે. બુદ્ધિહીન મનુષ્યો જે તે દેવતાની પૂજા કરે છે તે મિથ્યા છે અને તેથી મિથ્યાત્વ લાગે છે. એક જિનપ્રણીત ધર્મ જ જીવોને આલોકમાં તથા પરલોકમાં વાંછિત વસ્તુનો દાતાર છે. જો જિનધર્મથી વિઘ્નની શાંતિ વગેરે ન થાય તો બીજા ઉપાયથી ક્યાંથી થવાની ? જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહીં તે કાંઈ બીજા ગ્રહથી દૂર થાય ? માટે તું કુપથ્ય સરખા મિથ્યાત્વને છોડી દે અને રૂડા પથ્ય સમાન અર્હન્ધર્મની આરાધના કર. તેથી આ લોકમાં તથા પરલોકમાં પણ તારા મનોરથ ફળીભૂત થશે.”
હંસ આટલું કહી પારાની જેમ ઝટ ક્યાંય ઊડી ગયો. પછી ચમત્કાર પામેલી પ્રીતિમતી રાણી પુત્રની આશા ઉત્પન્ન થવાથી હાસ્યમુખી થઈ. ચિત્તમાં કાંઈ પીડા થઈ હોય તો ધર્મ, ગુરુ આદિ વસ્તુ ઉપર સ્થિર આસ્થા રહે છે. જીવનો એવો સ્વભાવ હોવાથી પ્રીતિમતી રાણીએ સદ્ગુરુ પાસેથી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. સમ્યક્ત્વ ધારણ કરનારી અને ત્રિકાળ જિનપૂજા કરનારી પ્રીતિમતી રાણી અનુક્રમે સુલસા શ્રાવિકા જેવી થઈ.
૧. કમળને ખીલવનાર; પૃથ્વીને આનંદ પમાડનાર.