________________
૧૩૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
નહીં. ભગવાનના ચંદનથી પોતાના કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી હાથ પણ ધોવાય નહીં, દેવની શેષ (નમણ) પણ નીચે પડેલું કે પડતું સ્વલ્પ માત્ર લેવું પરંતુ પ્રભુના શરીરથી પોતાના હાથે લેવું નહીં. ભગવાનનાં ભેરી, ઝલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરુને અથવા સંઘને કામે વગાડાય નહીં. અહીં કેટલાકનો મત એવો છે કે કાંઇ તેવું જરૂરનું કામ હોય તો દેવનાં મેરી આદિ વાજિંત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે મોટો નકરો આપવો. કહ્યું છે કે :
જે મૂઢ પુરુષ જિનેશ્વર ભગવાનનાં ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પોતાને કામે કિંમત આપ્યા વિના વાપરે, તે દુઃખી થાય. આ નકરો આપીને વાપરવા લીધેલા વાજિંત્ર કદાચિત્ ભાંગી-તૂટી જાય તો પોતાના પૈસાથી તે સમારી આપવાં ઘરકામ માટે કરેલો દીવો દર્શન કરવા જ જો જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ આણેલો હોય, તો તે કેટલા કારણથી દેવદીપ થતો નથી. પૂજાને અર્થે જ ભગવાન આગળ મૂક્યો હોય તો તે દેવદીપ થાય, મુખ્યમાર્ગથી તો દેવદીપને અર્થે કોડીયાં, બત્તી અથવા ઘી, પોતાને કામે ન વાપરવાં. કોઇ માણસે પૂજા કરનાર લોકોને હાથ-પગ ધોવાને માટે મંદિરે જુદું જળ રાખ્યું હોય, તો તે જળથી હાથ-પગ ધોવામાં કાંઇ હરકત નથી.
છાબડઓ, ચંગેરી, ઓરસીયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તૂરી આદિ વસ્તુ પોતાની નિશ્રાએ રાખવી. કારણ કે, દેવની નિશ્રાએ ન રાખી હોય તો પોતાના ઘરમાં કાંઇ પ્રયોજન પડે તો તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદિ વાજિંત્ર પણ સાધારણ ખાતે રાખ્યું હોય તો તે સર્વ ધર્મકૃત્યોમાં વાપરી શકાય છે. પોતાની નિશ્રાએ રાખેલો તંબુ, પડદા આદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવા કેટલાક દિવસ સુધી રાખ્યા હોય તો પણ તેટલા કારણથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય નહીં. કારણ કે મનના પરિણામ જ પ્રમાણભૂત છે. એમ ન હોય તો, પોતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન આગળ મૂકે છે તેથી તે પણ દેવદ્રવ્ય ગણવું જોઇએ.
શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘર-પાટ આદિ વસ્તુ ભાડું આપીને પણ ન વાપરવી. કારણ કે, તેથી નિષ્વસ પરિણામ વગેરે દોષની પ્રાપ્તિ થાય છે. સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી તો પણ લોકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું. અને તે પણ કહેલી મુદતની અંદર પોતે જ જઇને આપવું. તેમાં જો કદાચિત્ તે ઘરની ભીંત, કરા, આદિ પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમારવા પડે તો તેમાં જે કાંઇ ખર્ચ થયું હોય તે ભાડામાં વાળી લેવું, કારણ કે, તેવો લોકવ્યવહાર છે. પરંતુ જે પોતાના અર્થે એકાદ માળ નવો ચણાવ્યો અથવા તે ઘરમાં બીજું કાંઇ નવું કર્યું હોય તો તેમાં જે ખર્ચ થયું હોય તે ભાડામાં
વાળી લેવાય નહીં. કારણ કે તેથી સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવાનો દોષ આવે છે.
કોઇ સાધર્મીભાઇ સીદાતો હોય તો તે સંઘની સંમતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થાદિકને વિષે તથા જિનમંદિરમાં જ જો ઘણીવાર રહેવું પડે તથા નિદ્રા આદિ લેવી પડે તો જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરો આપવો, થોડો નકરો આપે તો સાક્ષાત્ દોષ જ છે. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ