________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૧૨૨
આપે અને લાભ મળે તે પોતે રાખે. એમ કરતાં તેણે રૂપિયાના એંશીમાં ભાગરૂપ એક હજાર કાંકણીનો લાભ લીધો અને તેથી મહાઘોર પાપ ઉપાર્જ્યું. તેની આલોચના ન કરતાં મરણ પામી સમુદ્રમાં જળમાનવ થયો.
ત્યાં જાત્ય રત્નના ગ્રાહકોએ જળના અને જલચર જીવોના ઉપદ્રવને ટાળનાર અંડગોલિકાને ગ્રહણ કરવા માટે તેને વજઘરટ્ટમાં પીડડ્યો. તે મહાવ્યથાથી મરણ પામી ત્રીજી નરકે ગયો. વેદાંતમાં પણ કહ્યું છે કે દેવદ્રવ્યથી તથા ગુરુદ્રવ્યથી થયેલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી, કેમકે તેથી ઇહલોકે કુલનાશ અને મરણ પછી નરકત થાય છે.
નરકમાંથી નીકળીને પાંચસો ધનુષ્ય લાંબો મહામત્સ્ય થયો. તે ભવે કોઇ મ્લેચ્છે તેનો સર્વાંગે છેદ કરી મહા કદર્થના કરી તેથી મરણ પામી ચોથી નરકે નારકી થયો. પછી તે સાગરશ્રેષ્ઠીના જીવે એક હજાર કાંકણી જેટલા દેવદ્રવ્યનો ઉપભોગ કર્યો હતો. તેથી લાગટ તથા આંતરાથી શ્વાન, ભૂંડ, ભેંસ, બોકડો, ઘેટો, હરણ, સસલો, સાબર, શિયાળિયો, બિલાડી, ઉંદર, નોળિયો, કોલ, ગિરોલી, સર્પ, વીંછી, વિષ્ટાના કૃમિ, પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય, શંખ, છીપ, જળો, કીડી કીડા, પતંગ, માખી, ભમરો, મચ્છર, કાચબો, ગર્દભ, પાડો, બળદ, ઊંટ, ખચ્ચર, ઘોડો, હાથી વગેરે જીવયોનિમાં પ્રત્યેક જીવયોનિએ એકેક હજાર વાર ઉત્પન્ન થઇ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં પૂરા કર્યા.
પ્રાયે સર્વ ભવે શસ્ત્રઘાત આદિ મહાવ્યથા સહન કરીને તે મરણ પામ્યો. પછી ઘણું ખરૂં પાપ ક્ષીણ થયું ત્યારે વસંતપુરનગરમાં ક્રોડપતિ વસુદત્ત શ્રેષ્ઠીથી તેની સ્ત્રી વસુમતિની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં છતાં જ વસુદત્તશ્રેષ્ઠીનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું. પુત્ર અવતર્યો તે જ દિવસે વસુદત્તશ્રેષ્ઠી મરણ પામ્યો અને તેને પાંચમું વર્ષ બેસતાં વસુમતી પણ દેવગત થઇ તેથી લોકોએ તેનું ‘નિપુણ્યક' એવું નામ પાડ્યું. કોઇ રાંકની જેમ જેમતેમ નિર્વાહ કરી તે વૃદ્ધિ પામ્યો.
એક દિવસ તેનો મામો તેને સ્નેહથી પોતાને ઘેર લઈ ગયો. દૈવયોગે તે જ રાત્રીએ મામાનું ઘર પણ ચોરોએ લૂંટ્યું એમ જેને જેને ઘેર તે એક દિવસ પણ રહ્યો, તે સર્વને ત્યાં ચોર, ધાડ, અગ્નિ વગેરે ઉપદ્રવ થયા. કોઈ ઠેકાણે ઘરધણી જ મરણ પામ્યો. ‘આ પારેવાનું બચ્ચું છે ? કે બળતી ગાડરી છે ? અથવા મૂર્તિમાન ઉત્પાત છે ? એવી રીતે લોકો તેની નિંદા કરવા લાગ્યા. તેથી ઉદ્વેગ પામી તે નિપુણ્યક નામે સાગર શ્રેષ્ઠિનો જીવ બહુ દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિનગરીએ ગયો. ત્યાં વિનયધર શ્રેષ્ઠીને ત્યાં ચાકરપણે રહ્યો. તે જ દિવસે વિનયધર શ્રેષ્ઠીનું ઘર સળગ્યું. તેથી તેણે પોતાના ઘરમાંથી હડકાયા શ્વાનની જેમ તેને કાઢી મૂક્યો. પછી શું કરવું ? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપાર્જેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યો.
કહ્યું છે કે સર્વ જીવ સ્વવશપણે કર્મ કરે છે, પણ તે ભોગવવાનો અવસર આવે ત્યારે પરવશ થઈને ભોગવે છે. જેમ માણસ પોતાની સ્વતંત્રતાથી વૃક્ષ ઉપર ચઢી જાય છે, પણ પડવાનો સમય આવે ત્યારે પરવશ થઈને નીચે પડે છે. નિપુણ્યક યોગ્ય સ્થાનનો લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરકત આવે છે.' એમ વિચારી સમુદ્રતીરે ગયો.