________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કરતાં બીજા લોકોનું અપમાન ગણાતું નથી તેમ મૂળનાયકની વિશેષ પૂજા કરતાં બીજા જિનબિંબની અવજ્ઞા થતી નથી.
ભગવંતના દેરાસર તથા બિંબની પૂજા જે કરે છે તે તેઓને માટે નથી પણ શુભ ભાવનાના નિમિત્ત માટે જ કરે છે. જિનભવનાદિ નિમિત્તથી આત્માનું ઉપાદાન યાદ આવે છે. વળી અબોધ જીવને બોધની પ્રાપ્તિ થાય છે. વળી કેટલાક પ્રાણી દેરાસરની સુંદર રચના દેખી બોધ પામે છે. કેટલાક જિનેશ્વર ભગવંતની પ્રશાંત મુદ્રા દેખી બોધ પામે છે. કેટલાએક પૂજા-આંગીનો મહિમા દેખીને અને સ્તવનાદિ સ્તવવાથી અને કેટલાએક ઉપદેશની પ્રેરણાથી પ્રતિબોધ પામે છે.
સર્વ પ્રતિમાઓ એક સરખી પ્રશાંત મુદ્રાવાળી હોતી નથી, પણ મૂળનાયકની પ્રતિમા તો વિશેષ કરી પ્રશાંત મુદ્રાવાળી જ હોય છે. તેથી ઝટ બોધ પામી શકાય છે. માટે પ્રથમ મૂળનાયકની જ પૂજા કરવી એ જ યોગ્ય છે.” એટલા જ માટે ચૈત્ય (દેરાસર) કે ઘર દેરાસરની પ્રતિમા દેશકાળની અપેક્ષાએ જેમ બને તેમ યથાશક્તિએ અતિશય વિશિષ્ટ સુંદરકારવાળી જ ભરાવવી. ઘર દેરાસરમાં તો પિત્તળ, તાંબા, રૂપા વિગેરેનાં જિનઘર (સિંહાસન હમણાં પણ કરાવી શકાય છે, પણ તેમ ન બની શકે તો હાથીદાંતનાં કે આરસનાં ઘણા જ શોભાયમાન લાગે એવી કોરણી ચિત્રામણવાળા કરાવવાં. તેમ ન બને તો પણ પિત્તળની જાળી પટ્ટીવાળી, હીંગળોક પ્રમુખ વિચિત્ર રંગ-ચિત્રામણથી અત્યંત શોભાયમાન અત્યુત્તમ કાષ્ઠનાં પણ કરાવવાં.
દેરાસર તથા ઘર દેરાસરે વારંવાર પ્રમાર્જના કરાવવી, ચુનો ધોળાવવો, રંગ-રોગાન કરાવવા, જિનેશ્વર ભગવંતના ચરિત્રો વિગેરેનાં વિચિત્ર ચિત્રામણ કરાવવાં. પૂજાનાં ઉપકરણો ઘણી ઘણી જાતિનાં સમારેલાં સ્વચ્છ રાખવાં. તેમજ પડદા, ચંદરવા, પુંઠીયા વગેરે એવા બાંધવા કે જેથી વિશિષ્ટ શોભાની અધિકતા થાય. ઘર દેરાસર ઉપર પોતાના પહેરવાનાં ધોતીયાં કે વાપરવાનાં વસ્ત્ર વગેરે મૂકવા નહીં. મોટા દેરાસરની જેમ ઘર દેરાસરની પણ ચોરાશી આશાતના ટાળવી જોઇએ. પ્રતિમાજીની સાચવણી. - પિત્તળ, પાષાણની પ્રતિમાના અભિષેક કર્યા પછી એક બંગલુંછણાથી લુહ્યા પછી (નિર્જળ કિીધા પછી) પણ બીજી વાર કોમલ સ્વચ્છ અંગલુંછણાથી સર્વ પ્રતિમાને લુંછવાં, એમ કરતાં સર્વ પ્રતિમાઓ ઉજ્જવળ રહે. જે જગ્યાએ જરા માત્ર પણ પાણી રહી જાય ત્યાં પ્રતિમાને શ્યામતા લાગે છે, માટે સર્વથા નિર્જળ કરીને પછી જ કેસર ઘણું અને ચંદન થોડું એવા ચંદનથી વારંવાર પૂજા કરતાં પણ પ્રતિમાની અધિક ઉજ્જવળતા થાય છે. સ્નાત્રજળ અંગે.
વળી એમ ધારવું જ નહીં કે ચોવીશવટો અને પંચતીર્થી પ્રતિમાનાં સ્નાત્ર કરતાં સ્નાત્રજળનો અરસપરસ સ્પર્શ થવાથી કાંઈ દોષ લાગે છે કેમકે જો એમ દોષ લાગતો હોય તો ચોવીશવટામાં કે પંચતીર્થીમાં ઉપર-નીચેની પ્રતિમાઓને અભિષેક કરતાં એક બીજાના જળનો જરૂર સ્પર્શ થાય જ છે. રાયપાસણી સૂત્રમાં કહ્યું છે કે :