________________
૭૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કરતો હતો. તેની લયલીનતા દેખીને ચક્રેશ્વરી દેવીએ પ્રસન્ન થઈ તેને એક વશીકરણ કરનારું રત્ન આપ્યું, તેથી તે સુખી થયો. તેને એક દિવસ પાટણ જતાં માર્ગમાં ત્રણ પ્રસિદ્ધ ચોર મળ્યા. તેઓને રત્નના પ્રભાવથી વશ કરી હણીને તે પાટણ આવ્યો.
ત્યાંના ભીમદેવ રાજાએ તે આશ્ચર્યકારી વાત સાંભળીને તેને બોલાવી પ્રસન્ન થઈ બહુમાની દેહની રક્ષા નિમિત્તે તેને એક ખગ્ર આપ્યું. અને આખા દેશની કોટવાળની પદવી આપી. તેણે પણ એવું પરાક્રમ કરી બતાવ્યું કે આખા ગુજરાત દેશમાં “ચોર' એવું નામ પણ ન રહ્યું.
એક વખતે સોરઠ દેશનો ચારણ જીણહાકની પરીક્ષા કરવા પાટણ આવ્યો, તેણે તે જ ગામમાંથી ઊંટની ચોરી કરી. તેને પોતાના ઘાસના ઝુંપડા આગળ બાંધ્યું. છેવટે કોટવાળનો સુભટ તેને પકડી જીણહાકની પાસે લાવ્યો, તે વખતે જીણહાક દેવપૂજા કરતો હોવાથી મુખથી બોલ્યો નહીં પણ પોતાના હાથમાં ફૂલ લઇ તેને મસળી નાખી સુભટોને જણાવ્યું કે એને મારી નાંખો. સુભટો તેને લઈ જવા લાગ્યા ત્યારે ચારણ બોલવા લાગ્યો કે -
જીણહાનઈ, જીણવરહ, ન મિલઈ તારોતાર;
જિણી કરી જિનવર પૂજિઇ, તે કિમ મારણહાર. ૧. જીણહાકને જિનેશ્વરનો સંબંધ થયો નથી કારણ કે, જે હાથ જિનવરને પૂજે તે હાથે મારે નહિ.
ચારણનું આવું બોલવું સાંભળીને જીણહાક લજવાઈ ગયો અને તેનો ગુનો માફ કરી છોડી દઇને તેને કહ્યું કે, હવે પછી આવી ચોરી કરીશ નહીં.
ત્યાર પછી જીણહાકે તીર્થયાત્રા, ચૈત્ય, પુસ્તકભંડાર વગેરે ઘણાં શુભ કૃત્યો કર્યા. એ વિગેરે વાત હજી સુધી લોકમાં ચાલે છે.
મૂળ બિંબની વિસ્તારપૂર્વક પૂજા પછી અનુક્રમે જેને જેમ ઘટે તેમ યથાશક્તિ સર્વ બિંબની પૂજા કરવી. દ્વારબિંબ અને સમવસરણબિંબ પૂજા.
દ્વારબિંબ અને સમવસરણબિંબ (દરવાજા ઉપરની અને ચોમુખ પ્રતિમા)ની પૂજા મૂળનાયકની અને બીજા બિંબોની પૂજા કર્યા પછી જ કરવી સંભવે છે, પણ ગભારામાં પ્રવેશ કરતાં સંભવતી નથી. કદાપિ ગભારામાં પ્રવેશ કરતાં જ દ્વારબિંબની પૂજા કરે અને ત્યારપછી જેમ જેમ પ્રતિમાઓ અનુક્રમે હોય તેમ તેમ તેમની પૂજા કરતો જાય તો મોટા દેરાસરમાં ઘણો પરિવાર હોય તેથી ઘણા બિંબની પૂજા કરતાં પુષ્પ, ચંદન, ધૂપાદિ સર્વ પૂજન સામગ્રી સમાપ્ત થઈ જાય, ત્યારે મૂળનાયકની પ્રતિમાની પૂજા તો પૂજનની દ્રવ્ય સામગ્રી (બી) હોય તો થાય અને થઈ રહી હોય તો રહી પણ જાય. તેમ જો શત્રુંજય, ગિરનાર આદિ તીર્થે એમ કરવામાં આવે એટલે જે જે દેરાસર આવે ત્યાં ત્યાં પૂજા કરતો આગળ જાય, તો છેવટે તીર્થનાયકના દેરાસરે પહોંચતાં સર્વ સામગ્રી ખલાસ થઇ જાય ત્યારે તીર્થનાયકની પૂજા રહી જાય. તેથી એ યુક્ત નથી.