________________
સ્નાન કરતાં જણાતી અગમચેતીઓ.
૬૩
પ્રશ્ન :- પૂજા કરવામાં અપ્લાયાદિનો વધ થાય છે એટલા જ માટે પૂજા ન કરવી જોઇએ ? ઉત્તર ઃ- “પૂજા એ સમકિતની શુદ્ધિ કરનારી છે, માટે ‘પૂજા’ એ ભાવનયથી દોષ રહિત જ સમજવી.”
ઉપર લખ્યા પ્રમાણે દેવપૂજા માટે ગૃહસ્થને દ્રવ્યસ્નાન કરવાની આજ્ઞા છે, તેથી “દ્રવ્યસ્નાન પાપને માટે છે.” એવું બોલવાવાળા લોકોનો મત અસત્ય છે.
તીર્થ ઉપર સ્નાન કર્યું હોય તો ફક્ત દેહની કાંઇક શુદ્ધિ થાય છે, પરંતુ આત્માની તો એક અંશમાત્ર પણ સ્નાન કરવાથી શુદ્ધિ થતી નથી. જે માટે સ્કંદપુરાણના કાશીખંડમાં છટ્ઠા અધ્યાયમાં કહેલું છે કે ઃ
હજારો ભાર માટીથી, પાણીના ભરેલા સેંકડો ઘડાથી, કે સેંકડો તીર્થના સ્નાન કરવાથી પણ દુરાચારી પુરુષો શુદ્ધ થતા નથી. જળજંતુઓ (મચ્છાદિ) જળમાં જ ઉત્પન્ન થાય છે અને તેમાં જ પાછા મરણ પામે છે, પણ તેઓનો મનનો મેલ દૂર થયો ન હોવાથી સ્વર્ગમાં જતાં નથી. ગંગાના સ્નાન વિના પણ શમ, દમ, સંતોષાદિકથી મન નિર્મળ થાય છે, સત્ય બોલવાથી મુખ શુદ્ધ થાય છે, બ્રહ્મચર્યાદિથી શરીર શુદ્ધ થાય છે, રાગાદિથી મન મલિન થાય છે, અસત્ય બોલવાથી મુખ મલિન થાય છે અને જીવહિંસાદિથી કાયા મલિન થાય છે તો તેથી ગંગા પણ દૂર જ રહે છે, ગંગા પણ એમ જ કહે છે કે પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પરદ્રોહથી દૂર રહેનારા પુરુષો મારી પાસે આવીને મને પાવન કરશે.
પાપ પ્રક્ષાલન કેવી રીતે.
કોઈક કુળપુત્ર ગંગા આદિ તીર્થ કરવા જવા લાગ્યો, ત્યારે તેની માતાએ તેને કહ્યું કે, ‘હે પુત્ર ! આ મારું તુંબ (તુંબડું) તું સાથે લઇ જા અને જ્યાં જ્યાં તું સ્નાન કરે ત્યાં ત્યાં તેને પણ નવરાવજે' કુળપુત્રે માતાનું કહેવું માન્ય કરી જે જે તીર્થે ગયો તે તે તીર્થે તુંબડાને નવરાવ્યું. છેવટે ગંગા આદિ તીર્થની યાત્રા કરી, પોતાના ઘેર આવ્યો અને માતાનું તુંબ તેને પાછું સમર્પણ કર્યું. ત્યારે તેણીએ તે જ તુંબડાનું શાક કરીને પુત્રને જ પીરસ્યું. મુખમાં નાંખતાં તે તરત જ બોલ્યો, અરે ! આટલું બધું કડવું શાક ક્યાંથી કાઢ્યું ? માતાએ કહ્યું કે, શું હજી એની કડવાશ ગઇ નહીં ? તેં આ તુંબડાને ખરેખર સ્નાન કરાવ્યું જ નહીં હોય; પુત્ર બોલ્યો કે નહીં, નહીં, મેં તો એને બધા તીર્થ ઉપર મારી જેમ જ નવરાવ્યું હતું. માતા બોલી કે, જો એટલા બધા તીર્થ ઉપર એને સ્નાન કરાવવા છતાં એની કડવાશ ગઇ નહીં, ત્યારે તો ખરેખર તારૂં પાપ પણ કેવી રીતે ગયું ? પાપ તો ખરેખર ધર્મક્રિયા અને જપ-તપવડે જ જાય છે. જો એમ ન હોય તો આ તુંબડાનું કડવાપણું કેમ ગયું નહી ? ત્યારે તે પણ પ્રતિબોધ પામ્યો અને જપ-તપ કરવા શ્રદ્ધાવંત થયો.
સ્નાન કરવામાં અસંખ્ય જીવમય જળની અને શેવાળ આદિ જો હોય તો અનંત જંતુની વિરાધના અને અણગળ જળમાં રહેલા પોરા વિગેરે ત્રસ-જીવની વિરાધનાનો સંભવ હોવાથી સ્નાન કરવામાં દોષ પ્રખ્યાત જ છે.