________________
સત્સંગ-સંજીવની
વળી મૃત્યુના થોડા વખત પહેલા ગોશળીયાએ બોલાવ્યા, તો પોતે કહ્યું કે હાલ બધા છાનામાના બેસી રહો. વખતે વખતે પોતે ઉચ્ચાર કહે તો ‘હે નાથ, હે દયાળુ પરમાત્મા, હે દેવાધિદેવ, સહજાત્મસ્વરૂપ સ્વામી.’’ એ જ વચનો કહેતા હતા. અને તે જ વચનો જેમ પૂર્વના વિશેષ અભ્યાસયુક્ત કરી મૂક્યા હોય એવી રીતે સહેજે મુખથી નિકળતાં હતાં. પોતે ઉપયોગમાં બરાબર વર્તતા હતા અને વખતે કોઇ બોલાવે તો ઉપયોગથી ચૂકવું પડે તેથી એમના મનમાં ખેદ થતો હશે એમ લાગ્યું હતું પણ પછી કોઇએ પણ કહેવાનું બંધ રાખ્યું હતું અને સમાધિભાવ વેદવા દીધો હતો.
કુટુંબાદિના ભક્તિભાવ ઘણાં સારા હતા. સેવા કરવા બધા સારી રીતે અનુરક્ત રહ્યા હતા. અને મૃત્યુ સુધરે એવી રીતે બધા આજ્ઞાનુસાર વર્તતા હતા તેમ પ્રેમ પણ ધર્મની લાગણીનો સારો હતો, અને સૌભાગ્યભાઇના ઉપદેશથી લાગણી હાલ પણ કુટુંબવર્ગમાં વર્ધમાનપણે રહી છે.
હે પ્રભુ, એ પરમ પવિત્ર પૂજ્ય સૌભાગ્યભાઇના સમાધિ મરણની સ્થિતિ જોઇ હું આનંદ સાથે પરમ હર્ષિત થયો છું. કારણ કે આવું સમાધિ મરણ મેં કોઇનું હજુ જોયું નથી. એક રીતે મારા હીન ભાગ્યનો ખેદ રહે છે. આવા પરમ પવિત્ર અમૂલ્ય રત્નનું જીવન લાંબુ થઇ ન શક્યું. જેથી આવો ખરો હીરો મેં ખોયો છે. મને એ પુરુષની મોટી ખોટ પડી છે. એ મારા ખેદનો હું વિસ્તાર કરવાને યોગ્ય નથી. આપ સર્વ જાણો છો, આપ સર્વ દેખો છે જેથી મારાથી કોઇ પણ અવિનય અભક્તિ થઇ હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. મારા હીન ભાગ્યથી ચાર દિવસ અગાઉ આવવું થયું નહીં. થયું હોત તો મારા ઉપર પોતે દયા કરી કેટલાક ખુલાસા અન્યોઅન્ય ક૨વાનું બની શકત પણ મારા અંતરાયથી એ યોગ ન બન્યો. એ મને અત્યંત ખેદ થાય છે, પણ આટલો દર્શનનો લાભ મને થવાથી પરમાનંદ થયો છે એમ સમજું છું.
અત્રેથી આજે શુક્રવારે ખંભાત જવા ઇચ્છતો હતો પણ સૌભાગ્યભાઇના કુટુંબાદિનો વિશેષ આગ્રહ હોવાથી આજે રોકાવાનું થયું છે. તો હું અત્રેથી શનિવારે મેલમાં નિકળી ખંભાત જવાને ધારૂં છું.
અત્રે આપ કૃપાળુશ્રી તરફથી પ્રાપ્ત થયેલ સિદ્ધિશાસ્ત્ર તથા મારા હાથે ઉતારેલા ઉપદેશ પત્ર તથા જેઠ માસમાં અત્રે પ્રાપ્ત થયેલા ત્રણ પત્રો એ રીતે હું ભેળો લઇ જવા ધારૂં છું. ભાઈ મણીલાલ સિદ્ધિશાસ્ત્ર રાખવાની આજ્ઞા મેળવવા સારૂ મને આપવાની હાલ ના કહે છે. બીજા પત્રો હું ભેળો લેતો જઈશ. ઉતાવળથી અશુદ્ધ ઉપયોગે પત્રમાં કોઇ રીતે અવિનયાદિ કાંઇ પણ દોષ હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. હાલ એજ. કામ સેવા ઇચ્છું છું.
લી, અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક પરમ પ્રેમે નમસ્કાર. (જવાબ વ. ૭૮૨)
પત્ર-૪૬
ફાગણ વદ ૧૪, ૧૯૫૩
શ્રીમદ્ પ્રભુશ્રી સહજાત્મસ્વરૂપને ત્રિકાળ નમસ્કાર
પરમકૃપાળુ, દેવાધિદેવ, શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સ્વામીની પરમ પવિત્ર શુભ સેવામાં ૫૨મ કૃપાનુગ્રહથી ભરેલો પરમ કલ્યાણકારી પત્ર પ્રાપ્ત થયો. (વ.૭૪૯) જે વાંચી પરમ ઉત્કૃષ્ટ મંગળકારી લાભ થયો છે. બાળક ઉપર દયા કરી એવી રીતે લખશો.
૫૧